દિવાળીના તહેવારો આડે માંડ અઠવાડિયુ રહ્યું છે. ત્યારે મહીસાગર જિલ્લામાં બજારોમાં દિવાળીનો માહોલ જામી રહ્યો છે. બજારોમાં ખરીદી માટે ચહલપહલ ધીમે ધીમે વધી રહી છે.
દારૂખાના સિવાય દિવાળીની ઉજવણીની કલ્પના કરી શકાતી નથી ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વિવિધ કારણોસર દારૂખાનાના ભાવોમાં સરેરાશ 15 થી 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે. વેપારીઓના મતે આ વર્ષે મહીસાગર જિલ્લામાં રૂ.20 થી 25 કરોડનું દારૂખાનું ફુટવાનો અંદાજ છે.
રોશનીના પર્વ દિવાળીની ઉજવણી કરવા માટે લોકોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. જિલ્લાવાસીઓમાં તહેવારોની ઉજવણી કરવાનો ઉમંગ અત્યારથી નજરે પડી રહ્યો છે. પારંપારીક રીતે લોકો ધામધુમથી તહેવારો ઉજવવાના મૂડમાં છે. જિલ્લાના ગામડાંઓ-શહેરોમાં બજારોમાં વેપારીઓ પોતાના ધંધાના સ્થળોએ દિવાળીને આવકારવા માટે રોશની- લાઈટીંગ લગાવી રહ્યા છે. દિવાળીના તહેવારો દારૂખાના અને ફ્ટાકડા વિના કેવી રીતે ઉજવી શકાય? ત્યારે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે દારૂખાનાના ભાવોમાં વિવિધ કારણોસર સરેરાશ 15 થી 20 ટકા સુધીનો વધારો થયો હોવાનો વેપારીઓનો આ મત છે. દારૂખાનાની કેટલીક આઈટમોના ભાવ ગત વર્ષની જેમ સ્થિર રહ્યા છે જયારે અન્ય વેરાઈટીના ભાવ વધ્યા હોવાનુ વેપારીઓ જણાવી રહ્યા છે. હોલસેલરોના મતે તમીલનાડુનું શીવાકાશી દારૂખાનાનું હબ ગણાય છે. શીવાકાશીમાં આ વર્ષે ભારે વરસાદ પડતાં ગોડાઉનોમાં પાણી ફરી વળવાના કારણે નુકસાન ગયુ છે. દારૂખાનાની કેટલીક આઈટમોનો સપ્લાય ઘટતાં ભાવમાં વધારો થયો હોવાનો અંદાજ હોલસેલરો લગાવી રહ્યા છે. રિટેઈલરો પોતાનું માર્જીન દર વર્ષે વધારતાં હોવાથી પણ ભાવમાં વધારો થયો હોય તેવું શક્ય છે તેમ વેપારીઓએ જણાવ્યું હતુ. દારૂખાનાના ભાવ વધવા છતાં દારૂખાનાના વેચાણમાં કોઈ ફ્રક પડશે નહીં તેવું વેપારીઓનુ માનવું છે. એક અંદાજ મુજબ આ વર્ષે દિવાળીએ મહીસાગર જિલ્લામાં અંદાજે રૂ.20 કરોડથી રૂ 25 કરોડનું દારૂખાનું વેચાશે તેવું હોલસેલર્સનું કહેવું છે. બજારોમાં ધીમે-ધીમે દિવાળીની રોનક દેખાઈ રહી છે અને દારૂખાના ઉપરાંત કાપડ બજારથી લઈને ઘર સુશોભનની વસ્તુઓની ખરીદી માટે બજારોમાં લોકો નીકળી રહ્યા છે.
Source link