- આંધ્રપ્રદેશમાં ફાર્મા કંપનીમાં આગની ઘટના
- પીએમ મોદીએ વળતરની કરી જાહેરાત
- 17 લોકોના મોત, 33 લોકો થયા છે ઇજાગ્રસ્ત
આંધ્રપ્રદેશના અચ્યુથાપુરમમાં બુધવારે એક ફાર્માસ્યુટિકલ કંપનીની ફેક્ટરીમાં આગ લાગવાથી 17 લોકોના મોત થયા હતા અને 33 લોકો ઘાયલ થયા હતા. પીએમ મોદીએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે અને તેનાથી પ્રભાવિત લોકો માટે વળતરની જાહેરાત કરી છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. સાથે જ ઘાયલોને 50 હજાર રૂપિયા આપવામાં આવશે.
13 લોકોને બચાવી લેવાયા
આ અંગે અનકાપલ્લીના જિલ્લા અધિકારીએ જણાવ્યું કે દુર્ઘટના બપોરે સવા બે વાગે થઇ હતી. અસેંટિયા એડવાન્સ્ડ સાઇન્સેસ પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટમાં થઇ. તેમણે જણાવ્યું કે ફેક્ટરીમાં 381 કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. ફેક્ટરીમાં બે પાલીમાં કામ થાય છે. વિસ્ફોટ બપોરે થયો જે દરમિયાન મોટાભાગના લોકો લંચ કરવા ગયા હતા જેથી કર્મચારીઓની સંખ્યા ઓછી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે ફેક્ટરીમાં ફસાયેલા 13 લોકોને બચાવી લેવામાં આવ્યા છે
કેમ થયો વિસ્ફોટ ?
આ આગ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના થઇ હોવાની આશંકા છે. જો કે એવી પણ આશંકા છે કે આ દુર્ઘટના રિએક્ટરમાં વિસ્ફોટને કારણે થઈ હતી, પરંતુ કેટલાક અધિકારીઓનું માનવું છે કે જ્યારે સોલવન્ટ ઓઈલને એક માળેથી બીજા માળે પમ્પ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તે લીક થતા આગ લાગી અને જોરદાર વિસ્ફોટ થયો.
સીએમ નાયડુએ વ્યક્ત કર્યુ દુઃખ
આ દરમિયાન મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ દુઃખ વ્યક્ત કર્યુ. મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે સરકાર મૃતક કામદારોના પરિવારજનો સાથે ઉભી રહેશે. મળતી માહિતી મુજબ સીએમ નાયડુ આજે ઘટનાસ્થળની મુલાકાત લઇ શકે છે. જો કોઇ મેનેજમેન્ટની બેદરકારીને કારણે આ દુ:ખદ ઘટના બનશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ પીડિતોને આશ્વાસન આપ્યું હતું સાથે જ ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપી દેવાયા છે.