Dehradun : દેહરાદૂનમાં ભારે વરસાદ અને પૂર: 10નાં મોત, અનેક રસ્તાઓ બંધ

દેહરાદૂન અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલથી પડી રહેલા સતત ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. પૂરની આફતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 8 લોકો ગુમ છે.
ખાસ કરીને સહસ્ત્રધારા વિસ્તારમાં પૂરનાં કારણે મોટું નુકસાન નોંધાયું છે. નદીઓના જળસ્તર વધી જતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયું છે, જ્યારે દુકાનો અને હોટલ પણ પાણીમાં વહી ગઈ છે.
બ્રિજ પાણીમાં સમાઈ જતાં વાહન વ્યવહાર ઠપ
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્તોને તમામ મદદ આપવાની ખાતરી આપી છે. માલદેવતા ક્ષેત્રમાં નદીના પૂરને કારણે રસ્તા અને પુલ તણાઈ જતાં પરિવહન વ્યવસ્થા ખોરવાઈ છે.
દેહરાદૂન-પાંવટા નેશનલ હાઈવે પર પ્રેમનગર નંદા પોલીસ સ્ટેશન નજીકનો બ્રિજ પાણીમાં સમાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. સાથે જ મસૂરી-દેહરાદૂન માર્ગ પર અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા પરિસ્થિતિ વધુ ખરાબ બની છે.
200 વિદ્યાર્થીઓને SDRFએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા
આસન નદીમાં ટ્રેક્ટર-ટ્રોલી વહી જતાં 13 લોકો ગુમ થયા, જેમાંથી અત્યાર સુધી 5 મૃતદેહ મળી આવ્યા છે. અન્ય એક ઘટના હેઠળ પૂરના કારણે 10ના મોત થયા છે, જ્યારે 8 લોકો હજુ ગુમ છે.
કાલસી-ચકરાતા માર્ગ પર ભૂસ્ખલન થતાં એક યુવકનું મૃત્યુ થયું, જ્યારે મસૂરીના ઝડીપાની વિસ્તારમાં કાટમાળ નીચે દબાઈ એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દેહરાદૂનની શાળાઓ બંધ રાખવામાં આવી છે.
દેવભૂમિ ઇન્સ્ટિટ્યૂટ કેમ્પસમાં પાણી ભરાઈ જતા 200 વિદ્યાર્થીઓને SDRFએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ઉત્તરાખંડના CM સાથે વાતચીત કરી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી અને કેન્દ્ર સરકાર તરફથી તમામ મદદ આપવાની ખાતરી આપી છે.