અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ હવે શહેર રોગચાળાએ ભરડો લીધો છે અને શહેરના મોટાભાગના વિસ્તારમાં લોકો નાની મોટી બિમારી સામે લડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે શહેરમાં છેલ્લા 7 દિવસમાં 172 ડેન્ગ્યુના કેસો નોંધાયા છે.
શહેરમાં ચિકન ગુનિયાના 12, ઝાડા ઉલટીના 146 અને કમળાના 113 કેસો નોંધાયા
ત્યારે શહેરમાં ચિકન ગુનિયાના 12 કેસ નોંધાયા છે તો ઝાડા ઉલટીના પણ 146 જેટલા કેસો નોંધાયા છે. કમળાના 113 કેસો, ટાઈફોઈડના 164 કેસ સામે આવ્યા છે. ડોક્ટર પણ લોકોને હાલમાં ખાણીપીણીમાં ધ્યાન રાખવા માટે અને વાસી ખોરાક આરોગવામાં ના આવે તેનું ધ્યાન રાખવા માટે કહી રહ્યા છે અને પાણી પણ ઉકાળીને પીવા માટે જણાવી રહ્યા છે. આ સાથે જ આસપાસના વિસ્તારને પણ સ્વચ્છ રાખવા માટે અપીલ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 28 ઓગસ્ટે પણ અમદાવાદમાં રોગચાળાના આંકડા સામે આવ્યા હતા, જેમાં એક અઠવાડીયામાં 10,177 દર્દીઓ OPDમાં નોંધાયા હતા, જેમાંથી ડેન્ગ્યુના 116 કેસ અને વાયરલ ઈન્ફેકશનના 1,500 કેસ નોંધાયા હતા.
ચાલુ સપ્તાહે પાણીના 1,452 સેમ્પલ લેવાયા
તમને જણાવી દઈએ કે ચાલુ સપ્તાહે પાણીના 1,452 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 234 સેમ્પલ અનફિટ જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઘણા વિસ્તારોમાં પાણી ડોહળાયેલુ આવી રહ્યું હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે, કારણ કે નદીના પાણી અને વરસાદી પાણી મિક્સ થવાના કારણે હાલમાં આ સમસ્યા સામે આવી રહી છે, ત્યારે તંત્ર દ્વારા પણ પાણી ઉકાળીને પીવા માટે અને રહેણાંક વિસ્તારોમાં આસપાસમાં ગંદકી ના થાય તેની તકેદારી રાખવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે.
વડોદરામાં પણ પૂર બાદ રોગચાળો વકર્યો
વડોદરામાં પણ પૂર બાદ રોગચાળો વકર્યો છે અને શહેરની SSG હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઈફોઈડના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે વાયરલ ફીવરના દૈનિક 400થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે અને ઝાડા અને ઉલટીના પણ દૈનિક 600થી વધુ કેસ સામે આવી રહ્યા છે.
Source link