મણિપુરમાં ગયા વર્ષે શરૂ થયેલી હિંસા હજુ શમી નથી. તાજી ઘટનાઓ અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ લગભગ 2,000 કર્મચારીઓવાળી સીઆરપીએફની વધુ 20 કંપનીઓને મણિપુરમાં મોકલી છે. સૂત્રોએ જણાવ્યું કે ગૃહમંત્રાલયે મંગળવારે રાત્રે આ કંપનીઓને હવાઈ માર્ગે લાવવા અને તાત્કાલિક તહેનાત કરવાના આદેશ આપ્યા હતા.
સોમવાર 11 નવેમ્બરે સીઆરપીએફ સાથેની એક અથડામણમાં ઓછામાં ઓછા 10 ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા. આ ઉગ્રવાદીઓએ વર્દી પહેરીને અને અત્યાધુનિક હથિયારોથી સજ્જ થઈ જિરીબામ જિલ્લાના જાકુરધોરમાં બોરોબેક્રા પોલીસ સ્ટેશન અને તેને અડીને આવેલા સીઆરપીએફ કેમ્પ પર અંધાધૂંધ ગોળીબાર કર્યા હતા. સીઆરપીએફના જવાનોની જવાબી કાર્યવાહીમાં 10 ઉગ્રવાદીઓનો ખાતમો થયો હતો. અથડામણ બાદ સુરક્ષા દળોએ હથિયારોનો મોટો ખજાનો જપ્ત કર્યો હતો. સુરક્ષાદળોની આ કાર્યવાહી બાદથી મણિપુરમાં તણાવભરી સ્થિતિ ઊભી થઈ છે. પહાડીઓ પરથી ઉગ્રવાદીઓ સતત ફાયરિંગ કરતા રહે છે. રાજ્ય પોલીસના જણાવ્યા અનુસાર સોમવારની ઘટના બાદ ઇમ્ફાલ ઘાટીમાં ઘણી જગ્યાએ હિંસાના સમાચાર મળી રહ્યા છે, જેમાં બંને પક્ષોના સશસ્ત્ર સમૂહો વચ્ચે ગોળીબાર થાય છે.
મણિપુરમાં હવે 200થી વધારે સીએપીએફ કંપનીઓ
સૂત્રોએ જણાવ્યું કે મણિપુર મોકલાનારી 20 નવી કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (સીએપીએફ) કંપનીઓમાંથી 15 સીઆરપીએફ અને પાંચ સીમા સુરક્ષા દળ (બીએસએફ)ની છે. આ કંપનીઓ મણિપુરમાં ગયા વર્ષે થયેલી હિંસા બાદ પહેલાંથી તહેનાત સીએપીએફની 198 કંપનીઓમાં સામેલ થશે. એવું પણ કહેવાયું છે કે ગૃહમંત્રાલયના આદેશ અનુસાર આ બધી સીએપીએફ કંપનીઓ 30 નવેમ્બર સુધી મણિપુર સરકારને આધીન રહેશે.
Source link