જૂનાગઢ યાર્ડમાં મગફળીની સારી આવક થઈ રહી છે. આજે યાર્ડમાં મગફળીના એક મણના ઉંચા ભાવ 2,040 રૂપિયા બોલાયા હતા અને નીચા ભાવ 850 રૂપિયા બોલાયા હતા તો સામાન્ય ભાવ 1600 રૂપિયા નોંધાયા છે.
ઉંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ વર્ષે ચોમાસુ સારું રહેશે તે માટે ખેડૂતોએ મગફળીનું પુષ્કળ વાવેતર કર્યું હતું. તેવી જ રીતે મેઘરાજાએ આ વખતે ખેડૂતોને ખુશખુશાલ કરી દીધા છે અને જરૂર કરતા વધારે વરસાદ વરસાવીને મગફળીનું સારું ઉત્પાદન થશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે અને જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ મગફળીનો પાક તૈયાર થઈ ગયો છે અને માર્કેટિંગ યાર્ડ જુનાગઢ ખાતે વેચવા ખેડૂતો આવી રહ્યા છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ રૂપિયા 2000 પ્રતિ મણ મગફળીના ભાવ બોલાયા
ત્યારે આજે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધુ રૂપિયા 2000 પ્રતિ મણ મગફળીના ભાવ બોલાયા હતા અને સૌથી નીચો ભાવ 850 રૂપિયા બોલાયો હતો. મગફળીનો સારો ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે અને માળિયા, મેંદરડા તેમજ આજુબાજુના ગામડામાંથી ખેડૂતો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ભાવ સારા મળતા અહીં મગફળી વેચવા આવી રહ્યા છે. સરકારી ટેકાના ભાવે મગફળીના ભાવ જે મળી રહ્યા છે તેના કરતાં પણ યાર્ડમાં વેપારીઓ પાસેથી વધુ ભાવ મળતા ખેડૂતો ટેકાના ભાવને બદલે વેપારીને પોતાની મગફળી વેચી રહ્યા છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મોટી આવક નોંધાઈ
બીજી તરફ સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ મગફળીની મોટી આવક નોંધાઈ છે. યાર્ડમાં મગફળીની 60 હજાર ગુણીની આવક નોંધાઈ છે અને હરાજીમાં 20 કિલોના ભાવ રૂપિયા 900થી લઈને રૂપિયા 1276 સુધીના બોલાયા હતા. જો કે હાલમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીને પગલે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ યાર્ડની પ્રથમ પસંદગી કરતા હોય છે.
Source link