GUJARAT

Gandhinagar: રાજ્યની ત્રણ મહાનગરપાલિકામાં રોડ-રસ્તાના નવીનીકરણ માટે 255 કરોડ ખર્ચાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની ત્રણ મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી કુલ 255.06 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

સુરત મહાનગરપાલિકાને રૂ. 181.50 કરોડ ફાળવ્યા

તદઅનુસાર સુરત મહાનગરપાલિકાને હયાત રસ્તા પહોળા કરવા, નવા રસ્તા બનાવવા, ફુટપાથ નિર્માણ અને સી.સી. રોડ તથા રોડ કારપેટ તેમજ રિ-કારપેટના વિવિધ 579 કામો માટે રૂ. 181.50 કરોડ ફાળવવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજ્યના મહાનગરોમાં આ યોજના હેઠળ નવા રોડ બનાવવા અને હયાત માર્ગોની મરામત સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી સહાય આપવામાં આવે છે.

ગાંધીનગર માટે 12.84 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ સંદર્ભમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા ત્રણ મહાનગરપાલિકાઓની રજૂ કરવામાં આવેલી દરખાસ્તને તેમણે અનુમોદન આપ્યું છે. મુખ્યમંત્રીએ સુરત મહાનગરપાલિકા ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના જુદા જુદા 12 કામો માટે 60.78 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. તેમણે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રોડના નવિનીકરણ કામો માટે 12.84 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રી શહેરી સડક યોજના ઘટકમાંથી છેલ્લા ચાર વર્ષમાં સુરત મહાનગરપાલિકાને 1493 કામો માટે રૂ. 740.85 કરોડ, રાજકોટ મહાનગરપાલિકાને શહેરી સડકના 29 કામો માટે રૂ. 168.94 કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાને 07 કામો માટે રૂ. 57.68 કરોડ મળીને કુલ શહેરી સડકના 1529 કામો માટે 961.47 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button