સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો જિલ્લા ચૂંટણી વિભાગે ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ હાથ ધરી છે. જેમાં તા. 29-10 થી 28-11 સુધી મતદાર સુધારણા યાદી અભીયાન યોજાઈ રહ્યુ છે. આ સમયગાળા દરમીયાન તા. 17-11 અને 23-24 નવેમ્બરના રોજ રવીવારે બીએલઓ કક્ષાએથી કામગીરી થનાર છે. ત્યારે તા. 17 નવેમ્બરને પ્રથમ રવીવારે 2,870 મતદારોએ મતદાર બનવા ફોર્મ ભર્યા છે. બીજી તરફ 1,009 મતદારોના નામ કમી કરવાની અરજી પણ તંત્રને મળી છે.
સમગ્ર ગુજરાત રાજયમાં આગામી સમયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણીઓ આવી રહી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 45થી વધુ ગ્રામ પંચાયત અને થાન નગરપાલીકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે એકપણ મતદાર મતદાન કરવાથી વંચીત ન રહે તે માટે ચૂંટણી વિભાગે મતદાર યાદી સુધારણા અભીયાનનું આયોજન તા. 29-10 થી 28-11 સુધી હાથ ધર્યુ છે. આ ઝુંબેશ દરમીયાન ચૂંટણી પંચ દ્વારા તા. 17-11 અને 23-24 નવેમ્બર મતદાન મથકોએ જ બીએલઓ દ્વારા મતદાર યાદી સુધારણા ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી અને કલેકટર કે.સી.સંપટ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અર્જુન ચાવડાની સુચનાથી જિલ્લામાં 5 વિધાનસભા બેઠકો ઉપર 1500થી વધુ મતદાન મથકોએ પ્રથમ રવીવાર એટલે કે, તા. 17 નવેમ્બરના રોજ કામગીરી હાથ ધરાઈ હતી. સવારના 10 થી સાંજના પ સુધી થયેલ આ કામગીરીની જિલ્લા નાયબ ચૂંટણી અધીકારીએ રૂબરૂ સ્થળ પર જઈને મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. મતદાર યાદી સુધારણાની આ ઝુંબેશમાં જિલ્લાની પ વિધાનસભા બેઠકના 1500 થી વધુ બીએલઓ દ્વારા 18 વર્ષ પુરા થઇ ગયા હોય તેવા મતદારોની નોંધણી કરી ફોર્મ નંબર 6 ભરાવ્યા હતા. જેમાં 2,870 મતદારો બનવા અરજીઓ આવી છે. આ ઉપરાંત અવસાન પામેલા અને જિલ્લા બહાર સ્થળાંતર થયેલા મતદારોના નામ કમી કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જેમાં 1,009 નામ મતદારયાદીમાંથી કમી કરવાની અરજી તંત્રને મળી છે. ચૂંટણી વિભાગ દ્વારા આધારકાર્ડ સાથે મતદાર કાર્ડ લીંક કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં 197 મતદારોએ મતદાર કાર્ડ આધારકાર્ડ સાથે લીંક કરાવ્યા છે. મતદાર યાદી સુધારણા ઝુંબેશ હજુ આગામી તા. 23-24 નવેમ્બર શનીવાર અને રવીવારના રોજ ચાલુ રહેનાર છે.
Source link