સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી સ્ટાફના પ્રવીણ કોલા, સંજયભાઈ સહિતનાઓ શુક્રવારે મોડી રાત્રે દસાડા તાલુકામાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. ત્યારે સવલાસની સીમ વાડીમાં એક શખ્સ પાસે ગેરકાયદેસર હથીયાર હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી.
જેમાં સવલાસનો 42 વર્ષીય રસીક લાલજીભાઈ ડુમાણીયા દેશી બનાવટની મજર લોડ બંદુક કિંમત રૂપીયા 5 હજાર સાથે પકડાયો હતો. આ શખ્સ સામે પાટડી પોલીસ મથકે એલસીબી ટીમે હથીયાર ધારા મુજબ ગુનો નોંધાવ્યો છે. બનાવની વધુ તપાસ પીએસઆઈ આર.જી.ચુડાસમા ચલાવી રહ્યા છે. જયારે લખતર પોલીસની ટીમને પેટ્રોલીંગ દરમિયાન સાકરથી ડેરવાળાના રસ્તે એક શખ્સ હથીયાર સાથે પસાર થવાનો હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે શનીવારે સવારના સમયે વોચ રાખી હતી. જેમાં લખતર તાલુકાના સાકરનો 50 વર્ષીય જહાંગીર જામભાઈ બેલીમ ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક સાથે પકડાયો હતો. આથી રૂપીયા 1 હજારની કિંમતની બંદુક કબજે કરી તેની સામે લખતર પોલીસ મથકે હથીયારધારા મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવની વધુ તપાસ એચસી ડી.પી.અજાણા ચલાવી રહ્યા છે. આ ઉપરાંત ઝીંઝુવાડા પોલીસે ઝીંઝુવાડા-વચ્છરાજપુરા રોડ પરથી મીઠાના ગંજા પાસેથી ઝીંઝુવાડાના લાલભા કનુભા ઝાલાને રૂપીયા 2 હજારની કિંમતની દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝર લોડ બંદુક સાથે ઝડપી લીધો હતો. આ હથીયાર તેના પિતા કનુભા ભુપતસીંહ ઝાલાનું હોવાનું બહાર આવતા બન્ને સામે ઝીંઝુવાડા પોલીસ મથકે હથીયારધારા મુજબ ગુનો નોંધાયો છે. બનાવની વધુ તપાસ એએસઆઈ એ.એ.રબારી ચલાવી રહ્યા છે.
Source link