સાયલા હાઈવે પરની હોટલમાં મુળીના વેપારીના આવેલા સાડીના પાર્સલો ચોરાયાની તા. 6ના રોજ સાંજે ફરિયાદ થઈ હતી. ત્યારે એલસીબી ટીમે ગણતરીની કલાકોમાં આ ચોરીને અંજામ આપનાર રાજકોટના 3 શખ્સોને ચોરેલી સાડી, રોકડ અને વાહન સહિત રૂપીયા 10,76,260ની મત્તા સાથે ઝડપી લીધા છે.
મુળી તાલુકાના ગઢાદ ગામે રહેતા 38 વર્ષીય મયુરસીંહ રાણુભા પરમાર સાડીનો વેપાર કરે છે. તેઓએ સુરતની આરાધના સાડી સેન્ટરમાંથી 121 અને પ્રેમવતી સાડી સેન્ટરમાંથી 146 સાડી મંગાવી હતી. આ પાર્સલ સુરતથી ઈગલ ટ્રાવેલ્સમાં મોકલવામાં આવ્યુ હતુ. છેલ્લા પાંચેક વર્ષથી મયુરસીંહ તેમના આવતા પાર્સલો સાયલા હાઈવે પર આવેલ શિવશકિત હોટલે મુકાવે છે. તા. 15-9ના રોજ પણ આવેલા પાર્સલ તેઓએ ત્યાં ઉતરાવ્યા હતા. જયારે સામાજીક કામ હોવાથી તેઓ તા. 17-9ના રોજ પાર્સલ લેવા જતા પાર્સલ ચોરાયાની જાણ થઈ હતી. આથી સીસીટીવીમાં ચેક કરતા પાર્સલ છોટા હાથીમાં કોઈ ચોરી ગયાનુ ધ્યાને આવ્યુ હતુ. આથી મયુરસીંહે સાયલા પોલીસ મથકે તા. 6ના રોજ સાંજે અજાણ્યા શખ્સો સામે 72,260ની સાડીઓ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા જ એલસીબી ટીમના પીઆઈ જે.જે.જાડેજાની સુચનાથી ટીમે તપાસ આરંભી હતી. જેમાં સ્ટાફના વિજયસીંહ પરમાર, કુલદીપભાઈ, વજાભાઈ સહિતનાઓએ સાયલા હાઈવે પર યુપી બીહાર હોટલ પાસે બાતમીને આધારે વોચ રાખી હતી. જેમાં રાજકોટના પ્રકાશ સંજયભાઈ વણપરા, શૈલેષ વીરજીભાઈ સાસકીયા અને મુકેશ રામાભાઈ વડુચીયાની પુછપરછ કરતા તેઓએ આ પાર્સલ ચોર્યાની કબુલાત કરી હતી. પોલીસે રૂપીયા 34 હજારની સાડી, રોકડા રૂપીયા 38,260 અને રૂપીયા 10 હજારના છોટા હાથી સહિત કુલ રૂપીયા 10,72,260ની મત્તા સાથે ત્રણેયને ઝડપી ગુનાનો ભેદ ગણતરીની કલાકોમાં ઉકેલી દીધો હતો.
Source link