સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણીમાં તા. 3જી ડિસેમ્બર ફોર્મ વિતરણનો અંતીમ દિવસ હતો. ત્યારે પ્રમુખ, ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરી માટે એક જ ફોર્મ જતા ત્રણેય પદ માટેના ઉમેદવારો બિનહરીફ થયા છે. બાકીના મહિલા ઉપપ્રમુખ અને સેક્રેટરીના પદ માટે 2-2 ધારાશાસ્ત્રીએ ફોર્મ ઉપાડયા છે. આમ, વર્તમાન પ્રમુખ સતત ચોથીવાર પ્રમુખના સ્થાને બિરાજશે.
સુરેન્દ્રનગર વકીલ મંડળની ચૂંટણી જાહેર થઈ છે. જેમાં તા. 02-03-24 ડિસેમ્બર ફોર્મ લેવાના દિવસો હતો. ચૂંટણી અધિકારી દેવેન્દ્રસીંહ રાણા અને પરબતસીંહ પરમારની આગેવાનીમાં આ ચૂંટણી થઈ રહી છે. ત્યારે તા. 3જીની સાંજ સુધીમાં પ્રમુખના પદ માટે વર્તમાન પ્રમુખ ઘનશ્યામસીંહ ઝાલા, ઉપપ્રમુખ માટે કશ્યપ શુકલ અને જોઈન્ટ સેક્રેટરી માટે રોહીત સાપરાના એક-એક જ ફોર્મ ઉપડતા આ ત્રણેય હોદ્દાઓ બિનહરીફ થયા છે. ઘનશ્યામસીંહ ઝાલા સતત ચોથીવાર વકીલ મંડળના પ્રમુખ તરીકે બિરાજશે. જયારે મહિલા ઉપપ્રમુખના પદ માટે ડી.એમ.શાહ અને બી.પી.પતાણીએ ફોર્મ લીધા છે. અને સેક્રેટરીના પદ માટે વિપુલ જાની અને આઈ.કે. શેખે હાલ ફોર્મ લીધા છે. વકીલ મંડળની ચૂંટણીમાં તા. 4થી 6 ડિસેમ્બર ફોર્મ ભરીને આપવાના છે. જયારે તા. 9મીના રોજ ચકાસણી, તા. 10મીએ ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. જયારે તા. 20મી ડિસેમ્બરે મતદાન અને સાંજે મત ગણતરી યોજાનાર છે. વકીલ મંડળની ચૂંટણીમાં 5માંથી 3 પદ બિનહરીફ થતા બાકીના બન્ને પદ પણ બિનહરીફ થાય તેવા પ્રયાસો હાલ ચાલુ થયા છે.
Source link