- માંગરોળના મોટા બોરસરા ગામનો બેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યો
- ફાયર વિભાગે 30 લોકોનું કરાવ્યું સ્થળાંતર
- તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા
સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કીમ નદી ગાંડીતૂર બની છે. માંગરોળના મોટા બોરસરા ગામે કીમ નદીના પાણી નીચાણવાળા વિસ્તાર અને બ્રેરલ બ્રિજ પાણીમાં ડૂબ્યા છે.
ફાયર ફાઈટરની ટીમ દ્વારા 30 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું
ત્યારે હાલમાં પાણી ભરાવવાના કારણે મોટા બોરસરા ગામે નીચાણવાળા વિસ્તારમાંથી ફાયર ફાઈટરની ટીમ દ્વારા 30 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. તમામ લોકોને ગામની પ્રાથમિક શાળામાં ખસેડાયા છે. તમને જણાવી દઈએ કે સુરતમાં રાજ્ય માર્ગો પર પણ પાણી ફરી વળ્યા છે અને મોસાલી-કોસંબા માર્ગે કીમ નદીના પાણી ફરી વળ્યા છે. પાણી ભરાતા બાઈકચાલકનું બાઈક બંધ થઈ ગયુ હતું અને રસ્તા વચ્ચે બાઈક ચાલક ફસાઈ ગયો હતો. જો કે સ્થાનિકો પાણીમાંથી બાઈક ઉંચકીને બહાર લાવ્યા હતા. આ પહેલા માર્ગ અધિકારીની કાર પણ પાણીમાં બંધ પડી હતી.
સુરતના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ
સુરતના માંગરોળમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને સિમોદરા ગામે પણ કીમ નદીના પાણી ચારે તરફ ફરી વળ્યા છે. ખાનગી ફાર્મ હાઉસો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે ફાર્મ હાઉસમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું છે. ફાર્મ હાઉસમાં પાણી ભરાતા મહિલા સહિત 3 લોકો ફસાયા હતા. ભારે વરસાદને પગલે હવે સ્થાનિકોને પણ ભારે હાલાકી પડી રહી છે અને જનજીવન સમગ્ર રીતે અસ્તવ્યસ્ત થઈ ગયુ છે અને હવે લોકો વરસાદ અટકી જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 187 તાલુકામાં વરસાદ
આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 187 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6.14 ઈંચ વરસાદ નોંધાયો છે તો ભરૂચના નેત્રંગમાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં 4.13 ઈંચ વરસાદ, વલસાડ તાલુકામાં 4.09 ઈંચ વરસાદ, મહેસાણાના જોટાણામાં 3.74 ઈંચ વરસાદ, વલસાડના વાપીમાં 3.35 ઈંચ વરસાદ અને સુરતના પલસાણામાં 3.03 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 14 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ તો 32 તાલુકામાં 1 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
Source link