સીજી રોડ મ્યુનિસીપલ માર્કેટ પાસે આવેલી બ્રોકીંગ કંપનીમાં ગ્રાહકોની જાણ બહાર તેઓના આધારકાર્ડ અને બોગસ આઈટી રીર્ટન આધારે 331 ડીમેટ એકાઉન્ટ ખોલાવનાર શખ્સ સહિત 15 આરોપી સામે સીઆઈડી ક્રાઈમમાં શનિવારે ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપીએ આ ખાતામાં ગ્રાહકોની જાણ બહાર ટ્રેડીંગ કરી બ્રોકરેજ મેળવી તેમજ ખાતામાં 2.20 કરોડ ડેબીટ કરી સરકારને જીએસટી ટેક્સ, એસટીટી અને ટનઓવર ચાર્જનું નુકશાન કર્યું હતું. આ રીતે ફરિયાદીની કંપનીને પણ આરોપીઓએ 55 લાખનું નુકશાન કર્યું હતું. સીજી રોડ પર આવેલી ઝેરોધા બ્રોકિંગ લિમિટેડ કંપનીમાં હેડ તરીકે ફરજ બજાવતા ગુંજન જયેન્દ્રભાઈ ચોકસી (ઉં,41)એ સીઆઈડી ક્રાઈમમાં છેતરપિંડીની ફરિયાદ કરી છે. જે મુજબ પોલીસે કિશન દિનેશપ્રસાદ સોની, શિવમકુમારસીંગ, સચીનકુમાર સીંગ, નિરજકુમાર ઉર્ફ છોટે, દિનાનાથરામ, કુમોદ કુમાર, રાજેશકુમાર યાદવ, અંકીત, અરવિંદકુમાર, રંજન કુમાર, રાહુલ ચૌધરી, અવિનાશ કુમાર સિંગ, રામ કુમાર મહેશસીંગ, આશીષ કુમાર અને અક્ષય કુમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ આરોપીએ ઝેરોધા બ્રોકીંગ લીમીટેડ કંપનીમાં કલાયન્ટોની જાણ બહાર 331 ડીમેટ અને ટ્રેડીંગના ઓનલાઈન એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ ખાતામાં આરોપીએ શેરગ્રીફટ કરી આઈસબર્ગ ટ્રેડ દ્વારા મલ્ટીપલ ટ્રેડર્સ કરી લાખો રૂપિયા બ્રોકરેજ ગેરકાયદે રીતે મેળવી હતી. આ રીતે ઝેરોધા કંપનીને 55 લાખનુ આર્થિક નુકશાન કર્યું હતું. આ ઉપરાંત આરોપીએ 331 ખાતામાં આઈસબર્ગ ટ્રેડ દ્વારા મલ્ટીપલ ટ્રેડસ આ તમામ ખાતાઓમાં સરેરાશ ખાતાદીઠ રૂ.70 થી 72 હજાર ડેબીટ કર્યા હતા. આ રીતે કુલ 331 ખાતામાં આરોપીએ 2.20 કરોડની ડેબીટ કરી સરકારને જીએસટી, એસટીટી અને ટનઓવર ચાર્જનું નુકશાન કર્યું હતું. આમ, કંપની અને સરકાર સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી આચરી હતી. આરોપીએ SEJDA.COM વેબસાઈટથી નકલી આઈટી રીર્ટન બનાવ્યાની વિગતો મળી છે. આ રીર્ટન અને કલાયન્ટનું આધાર કાર્ડ જમા કરાવી આરોપીએ ઓનલાઈન ડીમેટ ખાતા ખોલાવ્યા હતા.
ડિમેટ ખાતાં ખોલવા રાખેલા માણસોને ત્રણથી દસ હજાર કમિશન આપતો
ડીમેટ ખાતા ખોલી કૌભાંડ આચરનાર કિશન સોની આણી મંડળીની પૂછપરછમાં ઘટસ્ફોટ થયો હતો કે, આરોપી કિશન ખાતા ખોલવા માટે માણસોને ત્રણ હજાર થી દસ હજાર કમિશન આપતો હતો. કિશન તેના સહ આરોપીઓને કલાયન્ટની જાણ બહાર તેઓની ડોક્યુમેન્ટ મેળવી ખોટા આઈટી રીર્ટન બનાવી ખાતા ખોલવા માટે ત્રણ થી દસ હજાર સુધીનું કમિશન આપ્યું હતું. આ ખાતામાં ટ્રેડીંગ કરનાર ખાતા દીઠ કિશન સોની 500 રૂપિયા કમિશન પેટે આપતો હતો.
નાની રકમના શેરગિફ્ટ કરી ઓછા મૂલ્યના ઓપ્શન્સમાં ટ્રેડ કરી બ્રોકરેજ જનરેટ કરતો
કિશન સોની અને તેના મિત્રો બોગસ ડીમેટ અને ટ્રેડ ખાતામાં નાની રકમના શેર સમયાંતરે જૂદી જૂદી તારીખોએ નાની રકમના શેરગ્રીફટ કરતા તેમજ મંથલી એક્ષપાયરીના દિવસે ઓછા મુલ્યના ઓપ્શન્સમાં ટ્રેડીંગ કરી બ્રોકરેજ જનરેટ કરતા હતા. આ રીતે બ્રોકરેજ મેળવી પૈસા કમાવવા માટે આરોપીઓેએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું.
Source link