સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા અને લખતર તાલુકામાં વીજ કંપનીની વીજીલન્સ ટીમે વીજ ચોરી અંગે દરોડા કર્યા હતા. જેમાં બન્ને તાલુકામાં કુલ 438 કનેકશન ચેક કરવામાં આવ્યા હતા. આ કનેકશનમાંથી 70માં ગેરરીતિ માલુમ પડતા વીજ ગ્રાહકોને રૂપિયા 26.25 લાખથી વધુના દંડ ફટકારવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક વીજ ચોરીના લીધે પીજીવીસીએલ વીજ કંપનીને ભારે માત્રામાં વીજ લોસ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે વીજ લોસને ઘટાડવા માટે વીજ કચેરીના અધીક્ષક ઈજનેર એ.એચ. વાઘેલાના માર્ગદર્શનથી અવારનવાર વીજ ચોરી અંગે દરોડા કરે છે. જેમાં વીજ કંપનીની વીજીલન્સ ટીમે ધ્રાંગધ્રા અને લખતર પંથકમાં દરોડા કર્યા હતા. જેમાં લખતર તાલુકાના આદલસર, લીલાપુર, ઈંગરોળી, કેસરીયા સહિતના ગામોમાં વીજ કંપનીની 7 ટીમે ઔદ્યોગીક, વાણીજયીક વીજ કનેકશનોની તપાસ કરી હતી. જેમાં 105 વીજ કનેકશનની તપાસમાં 17માં ગેરરીતિ સામે આવી હતી. આથી વીજ કંપનીની ટીમે વીજ ચોરી કરતા 17 ગ્રાહકોને રૂ. 9.25 લાખથી વધુના દંડ ફટકાર્યા છે. બીજી તરફ ધ્રાંગધ્રા કાર્યપાલક ઈજનેર એમ.એન.સુમેરાના માર્ગદર્શની ધ્રાંગધ્રા શહેર અને તાલુકામાં 28 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતુ. જેમાં 333 વીજ કનેકશન ચેક કરાયા હતા. જેમાં 53 વીજ જોડાણોમાં ગેરરીતિ સામે આવતા કુલ રૂ. 17 લાખથી વધુના દંડ ફટકારાયા છે.
Source link