GUJARAT

Surendranagar: અકસ્માતના 5 બનાવમાં 4 વ્યક્તિનાં મોત, 6ને ઈજા

  • ઈસદ્રા-હરિપર પાસે રિક્ષા પલટતા ચાલકનું મોત
  • લખતર હાઈવે પર બે બાઈકની ટક્કર, દંપતી ખંડિત
  • દેગામથી ધ્રાંગધ્રા જતા વસાડવા ચોકડી પાસે ગાયને બચાવવા જતા કાર પલટી, બેનાં મોત બેને ઈજા

ધ્રાંગધ્રા હાઈવે પર વસાડવા ચોકડી અને ઈસદ્રા-હરીપર, લખતર-વિરમગામ હાઈવે અને લખતર શહેરમાં અકસ્માતના પાંચ બનાવમાં 4 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે.

દસાડાના દેગામના એક જ પરિવારના ચાર પિતરાઈ ભાઈઓ કારમાં ધ્રાંગધ્રા જતા હતા ત્યારે વસાડવા ચોકડી પાસે ગાયને બચાવવા જતા કાર પલટી ખાતા બે વ્યક્તિના મોત થયા હતા. જયારે ઈસદ્રા-હરિપર પાસે રિક્ષા પલટી ખાતા ધ્રાંગધ્રાના યુવાનનું મોત થયુ છે. જયારે લખતર-વિરમગામ હાઈવે પર ર બાઈક અથડાતા વિરમગામ ગ્રામ્યનું દંપતી ખંડીત થયુ છે.

દસાડા તાલુકાના દેગામમાં રહેતા 19 વર્ષીય કુલદીપ કરમશીભાઈ ખાટરીયા તા. 26ના રોજ સવારે કુટુંબીજન વિશાલ નાગજીભાઈ ખાટરીયા, વિક્રમ મોહનભાઈ ખાટરીયા અને સતીશ પોપટભાઈ ખાટરીયા સાથે કાર લઈને ધ્રાંગધ્રા શીતળા માતાના મંદીરે જતા હતા. ત્યારે વસાડવા ચોકડી પાસે રસ્તેથી પસાર થતી ગાયને બચાવવા જતા કુલદીપભાઈએ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. જેમાં ચારેય ઈજાગ્રસ્તોને સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જેમાં કુલદીપ કરમશીભાઈ ખાટરીયા અને વિશાલ નાગજીભાઈ ખાટરીયાનું મોત થયુ હતુ. બનાવની મૃતક કુલદીપભાઈના પિતરાઈ ભાઈ ભીમાભાઈ ગોવિંદભાઈ ખાટરીયાએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે ધ્રાંગધ્રાની જુની પોસ્ટ ઓફીસ પાસે રહેતા ચેતનદાસ કનકદાસ ડાંગર સીએનજી રિક્ષા લઈને ગાળા ગામે ખાનગી ડેરીમાંથી દુધ લેવા જતા હતા. ત્યારે હાઈવે પર ઈસદ્રા-હરીપરના રસ્તે ચેતનદાસે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. જેમાં તેઓને માથાના ભાગે ઈજા થતા સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી દવાખાને લઈ જવાયા હતા. જયાં ડોકટરોએ તેઓને મૃત જાહેર કર્યા હતા. બનાવની ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે મૃતકના ભાઈ લાલદાસ ડાંગરે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી એસ.એ.ખાંભલા ચલાવી રહ્યા છે. બીજી તરફ લખતર હાઈવે પર થયેલ અકસ્માતની મળતી માહિતી મુજબ વિરમગામ તાલુકાના નાની થોરી ગામના દંપતી રાજુભાઈ અઘારા અને સોનલબેન બાઈક લઈને લખતરના વિઠ્ઠલગઢ ગામે ધાર્મીક વીધી કરવા આવ્યા હતા. પરત જતા સમયે લખતર-વિરમગામ હાઈવે પર અન્ય એક બાઈક ચાલકે અકસ્માત સર્જતા સોનલબેનનું ઘટનાસ્થળે મોત થયુ હતુ. જયારે રાજુભાઈ અને સામેના બાઈક ચાલકને ઈજા પહોંચી હતી. બીજી તરફ ઓળક પાસે બે બાઈક વચ્ચેના અકસ્માતમાં કલાભાઈ વંથલા, ભીમાભાઈ ઠાકરશીભાઈ અને કંચનબેન ઠાકરશીભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે દવાખાને લઈ જવાયા હતા. જયારે લખતર સ્ટેશન રોડ પર ઈકો કારના ચાલકે રસ્તા પરનો બમ્પ ઠેકાડી કાર વીજ ટીસી સાથે અથડાવતા ચાલકને ઈજાઓ પહોંચી હતી.

(28એસયુએન-79) લખતર સ્ટેશન રોડ પર ઈકો કાર વીજ ટીસીમાં ઘુસી ગઈ હતી.

(28એસયુએન-80) લખતરના ઓળક પાસે ર બાઈક અથડાતા 3ને ઈજા પહોંચી હતી.

(28એસયુએન-81,82) લખતર-વિરમગામ હાઈવે પર 2 બાઈકના અકસ્માતમાં મહિલાનું મોત થયુ હતુ.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button