- 1 સપ્ટેમ્બરથી બપોરનું જ ભોજન મળશે
- મધ્યાહન ભોજન યોજના હેઠળ નાસ્તો બંધ
- નવા પરિપત્ર મુજબ માત્ર બપોરનું ભોજન મળશે
મધ્યાહન ભોજન યોજનાનાં 43 લાખ બાળક માટે માઠા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે બાળકોને ઉપલબ્ધ કરાવાતો નાસ્તો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બાળકોને અગાઉ બપોરનું ભોજન અને નાસ્તો આપવામાં આવતો હતો. નવા પરિપત્ર મુજબ તેમને હવે માત્ર બપોરનું ભોજન જ આપવામાં આવશે. વર્ષ 2017ના પરિપત્ર મુજબ તેમને અઠવાડિક નાસ્તો તથા ભોજન આપવા મેનુ નક્કી કરાયું હતું. નવા પરિપત્રમાં માત્ર બપોરનું ભોજન આપવાનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, તા.01/09/2024થી નવા મેનુનો અમલ કરવા તથા બાલવાટિકાથી ધોરણ 5 અને ધોરણ 6થી 8ના વિદ્યાર્થી માટે નિયત થયેલા દૈનિક જથ્થાનો અને સુપોષિત ગુજરાત મિશન હેઠળની વધારાની રકમ સહિતની ગુજરાત સરકારે નિયત કરેલ મટીરિયલ કોસ્ટનો ઉપયોગ કરી શાળામાં વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત બપોરનું ભોજન મળે એ સુનિશ્ચિત કરવાની તમામ જિલ્લા કલેક્ટરોને વિનંતી કરવામાં આવી છે.
સરકારના આ નિર્ણયથી બાળકો પોષણથી વંચિત રહેશે: કોંગ્રેસ
મધ્યાહન ભોજન યોજના હેઠળ નાસ્તો બંધ કરવાના નિર્ણય પર કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા કરતા જણાવ્યું હતું કે, સરકારના આ નિર્ણયથી રાજ્યના 43 લાખ બાળકો પોષણથી વંચિત રહેશે. સરકારની નીતિ અને નિયતના કારણે બાળકો નાસ્તાથી વંચિત રહેશે. સરકારના આ નિર્ણયથી રાજ્યના બાળકોમાં કુપોષણના પ્રમાણમાં વધારો થશે.
વર્ષ 1984માં શરૂ થઈ હતી મધ્યાહન ભોજન યોજના
ગુજરાત રાજ્યમાં મધ્યાહન ભોજન યોજના વર્ષ-1984માં શરૂ થઈ હતી. મધ્યાહન ભોજન યોજનામાં રાજ્ય સરકારનો 25% તથા કેન્દ્ર સરકારનો 75% હિસ્સો છે. સરકારી તેમજ સરકારી સહાયતા મેળવતી, સ્થાનિક પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રથમિક શાળાઓ ચાલુ હોય તેવા દિવસોમાં સંપૂર્ણ મફત મધ્યાહન ભોજન આપવાની જોગવાઇ છે.
Source link