આણંદના ઉમરેઠમાં ચોરોએ તરખાટ મચાવ્યો છે અને લોકોની ઉંઘ હરામ કરી દીધી છે. ઉમરેઠમાં રાત્રિના સમયે એક સાથે જ પાંચ સોસાયટીઓના મકાનોના તાળા તુટ્યા હોવાની ઘટના સામે આવી છે. જેના કારણે હાલમાં આસપાસના વિસ્તારોમાં ભારે ફફડાટ મચી ગયો છે.
રાત્રિના સમયે એક સાથે 5 મકાનના તાળા તુટ્યા
ઉમરેઠમાં આવેલી અંબિકા નગર સોસાયટીમાં એક મકાનનું તાળું તોડ્યું, ત્યારે જિલાની પાર્ક સોસાયટીમાં એક મકાનનું તાળું તૂટ્યું છે. ફૂલના સોસાયટીમાં પણ એક મકાનનું તાળું તોડ્યું હોવાની ઘટના સામે આવી છે, ત્યારે નૂરાની પાર્કમાં પણ એક મકાનનું તાળું તોડવાનો બનાવ બન્યો છે, સંજેરી સોસાયટીમાં પણ ચોરોએ એક મકાનનું તાળું તોડયુ છે. રાત્રિના સમયે ચોરોએ પાંચ મકાનોને પોતાના નિશાન બનાવીને તાળા તોડ્યા હતા.
તમામ ઘરના માલિકો બહારગામ ગયા હતા અને ચોર ફાવી ગયા
જો કે ચોરોને ત્રણ મકાનોની અંદર કશું ના મળતા હાથ ફેરો થયો હતો, ત્યારે બે મકાનોની અંદર ચોરો ફાવી ગયા હતા અને માલસામાનની ચોરી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે આ પાંચેય મકાનોની અંદર રહેતા મકાન માલિકો બહારગામ ગયા હતા, ત્યારે મકાનના દરવાજા ઉપર તાળા જોતા ચોરોએ આ પાંચ મકાનોને ટાર્ગેટ બનાવીને ચોરી કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
પોલીસના રાત્રિના પેટ્રોલિંગ પર અનેક સવાલો
ત્યારે પાંચ મકાનોની અંદર ચોરી થયાનું ખબર પડતા તમામ મકાન માલિકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી. ત્યારે બીજી તરફ એક સાથે પાંચ ઘરોમાં ચોરી થવાની ઘટના સામે આવતા ઉમરેઠ પોલીસનું રાત્રિનું પેટ્રોલિંગ વ્યર્થ જતું હોય એવું સાબિત થઈ રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે.
પોલીસે ગુનો નોંધી ચોરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા
જો કે હાલમાં તો મકાન માલિકોએ પોલીસ સ્ટેશનને જઈને ફરિયાદ નોંધાવી હતી અને ઉમરેઠના રહીશોમાં પાંચ મકાનોના તાળા એક સાથે તૂટતા આસપાસના વિસ્તારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. હાલમાં ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને ચોરોને પકડીને વધુ કાર્યવાહી કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.
Source link