NATIONAL

UP: કાનપુર હાઈવે પર ટ્રક, કાર, ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત, 5ના મોત

ઉત્તરપ્રદેશના કાનપુરમાં નેશનલ હાઈવે 2 પર સોમવારે સવારે લગભગ 10 વાગ્યે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પુરપાટ ઝડપે આવતી કાર ટ્રકની પાછળ ધડાકાભેર અથડાયા બાદ પાછળ આવતા ડમ્પરે પણ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા. અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. બાદમાં પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

10 કિલોમીટર ટ્રાફિક જામ સર્જાયો

આ અકસ્માત પંકી પોલીસ સ્ટેશન વિસ્તારના ભૌટી હાઈવે પર થયો હતો. ગમખ્વાર માર્ગ અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. DCP પશ્ચિમ રાજેશ કુમાર સિંહે કહ્યું કે, ઘણા પોલીસ સ્ટેશનોના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સ્થળ પર લગભગ 10 કિલોમીટર જેટલો જામ હતો જે હટાવી લેવામાં આવ્યો છે.

અકસ્માતમાં 5 લોકોના મોત

આ અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોના મોત થયા છે. પોલીસે જણાવ્યું કે, કાર ટ્રકની પાછળ આવી રહી હતી. અચાનક કાર કાબૂ બહાર ગયા પછી ટ્રક સાથે અથડાઈ હતી અને તેની પાછળ એક ડમ્પર આવી રહ્યું હતું. ડમ્પરે પણ કારને પાછળથી ટક્કર મારી હતી. કારને બન્ને બાજુથી ભારે નુકસાન થયું છે. કાર સવારોના કરૂણ મોત નિપજ્યા છે. કારની અંદર ફસાયેલા લોકોના મૃતદેહને બહાર કાઢવા માટે કટર બોલાવવામાં આવ્યું હતું, ત્યારબાદ કારને કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.

અકસ્માતમાં એન્જિનિયરિંગ કોલેજના 4 વિદ્યાર્થીઓના મોત

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ અકસ્માત કાનપુર દિલ્હી નેશનલ હાઈવેના સાકેંદી વિસ્તારના ભૌટીમાં થયો હતો. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોમાં બીટેક પ્રથમ વર્ષની કોમ્પ્યુટર સાયન્સની વિદ્યાર્થીની આયુષી પટેલ, ત્રીજા વર્ષની વિદ્યાર્થીની ગરિમા ત્રિપાઠી, ચોથા વર્ષનો વિદ્યાર્થી પ્રતીક સિંહ અને ત્રીજા વર્ષના વિદ્યાર્થી સતીશનો સમાવેશ થાય છે. જ્યારે કારનો ડ્રાઈવર કાનપુરનો વિજય સાહુ છે, તેનું પણ આ અકસ્માતમાં મોત થયું છે. તમામ વિદ્યાર્થીઓ કાનપુરની પીએસઆઈટી એન્જિનિયરિંગ કોલેજના છે. ઘટનામાં તમામ મૃતકોની ઓળખ થયા બાદ તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓની ઓળખ કરાઈ

તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માત બાદ પીએસઆઈટી એન્જિનિયરિંગ કોલેજના મેનેજમેન્ટ સિસ્ટમના જવાબદાર અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિદ્યાર્થીઓની ઓળખ કરી હતી. કાનપુરના નેશનલ હાઈવે 2 પર થયેલા આ અકસ્માત બાદ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ ભારે આઘાતમાં છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button