રાજ્યમાં ધોળા દિવસે ફરી એક વખત લૂંટની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરના લીંબડીમાં ધોળા દિવસે રૂપિયા 5 લાખની લૂંટ ચલાવવામાં આવી છે. કારનો કાચ તોડીને તસ્કર 5 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને ફરાર થઈ ગયો છે.
5 લાખ રૂપિયા ભરેલો થેલો લઈ તસ્કરો ફરાર
લીંબડીની એસબીઆઈ બેંક બહાર ધોળા દિવસે 5 લાખની લુંટ કરીને લુંટારૂઓ ફરાર થઈ ગયા છે. લીંબડી એસબીઆઈ બેંક સામે ઉભેલી કારનો કાચ તોડી તસ્કરોએ રોકડ રકમ ભરેલો થેલો ઉઠાંતરી કરી લુંટારૂઓ ભાગી ગયા હતા. લીંબડી તાલુકાના ટોકરાળા ગામના સામાજિક આગેવાન ખુશાલભાઈ જાદવ એક બેંકમાંથી પૈસા ઉપાડ્યા બાદ બીજી બેન્કમાં પૈસા ઉપાડવા માટે ગયા કે તરત તસ્કર ગઠીયાએ તકનો લાભ ઉઠાવીને કારનો કાચ તોડી કારમાં અંદર સીટ પર પડેલો થેલો લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી
આ સમગ્ર લૂંટની ઘટના મામલે લીંબડી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બેંકના સીસીટીવી ફૂટેજ ચકાસણીની કામગીરી હાથ ધરી છે અને ભાગી છૂટેલા લુંટારૂઓને ઝડપી પાડવા મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, તમને જણાવી દઈએ કે આ લૂંટની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
ડીસામાં 80 લાખની લૂંટ મુદ્દે મોટી કાર્યવાહી
ડીસામાં 80 લાખની લૂંટ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કેસમાં LCBએ વધુ 4 આરોપીઓની ઝડપી પાડ્યા છે. પોલીસે લૂંટ કેસમાં કુલ 7 આરોપીઓ ઝડપ્યા છે અને લૂંટમાં 8 લોકોની સંડોવણી હોવાની ચર્ચા છે. તમને જણાવી દઈએ કે આ લૂંટ વખતે ફાયરિંગ પણ કર્યું હોવાની ચર્ચા કરવામાં આવી રહી છે. જેલમાં બંધ કે કે નામના વ્યક્તિએ લૂંટમાં રિવોલ્વર પહોંચાડી હોવાની ચર્ચાઓ છે, ત્યારે 80 લાખની લૂંટ બાદ આરોપીઓ જોધપુર ભાગી ગયા હતા અને એલસીબીએ લોકેશન, કોલ ડીટેલ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે જોધપુરથી આરોપીઓની અટકાયત કરી છે.
10 ઓક્ટોબરે અમદાવાદના કૃષ્ણનગરના સરદાર ચોકમાં લૂંટની ઘટના બની હતી
10 ઓક્ટોબરે અમદાવાદના કૃષ્ણનગરના સરદાર ચોકમાં પણ લૂંટની ઘટના બની હતી. લાલભાઈ જ્વેલર્સની દુકાન પાસે આ ઘટના બની હતી, જેમાં રૂપિયા 28 લાખની ચાંદીની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી, કૃષ્ણનગર પોલીસે સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથ ધરી હતી.
Source link