GUJARAT

Rajkot માં સિવિલમાં અપાતી સરકારની 500 કરોડની દવાઓ રામભરોસે

રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડના વેરહાઉસમાં ગઈકાલે સિવિલ હોસ્પિટલ અને સરકારી દવાખાનાને સપ્લાય કરવામાં આવનાર ક્રીમ, પીપીઈ-કીટ, સર્જિકલ સાધનો સહિતનો જથ્થો પલળી જવાના બનાવમાં ગાંધીનગરથી તપાસના આદેશ કરવામાં આવ્યા છે.

પરતું આ ઘટના બાદ વેરહાઉસની કેટલીક ચોંકાવનારી વિગત બહાર આવી છે. વેરહાઉસમાં 500 કરોડની દવાનો જથ્થો છે. તેના નિયંત્રણ કે દેખરેખ માટે સરકારી એક પણ કર્મચારી હાજર નહી હોવાનો ઘટસ્ફોટ થયો છે.આમ બેદરકારીમાં કોઈ એક કર્મચારી નહી પરતું આખું તંત્ર જ દોષી હોય તેવી ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટના વેરહાઉસમાંથી રાજકોટ ઉપરાંત મોરબી અને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સહિત 113 CHC સેન્ટરમાં દવા અને જરૂરી સાધન-સામગ્રી સપ્લાય કરવામાં આવે છે. રાજ્ય સરકારે વર્ષ 2016માં આ વેરહાઉસ રાજકોટમાં એટલા માટે બનાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના અન્ય શહેરોને ઝડપથી દવા અને સર્જિકલના સાધનો મળી રહે. પરતું વેરહાઉસના સંચાલન માટે આરોગ્ય વિભાગે મહેકમ મંજૂર કર્યું છે. પરતું હાલ ગોડાઉન મેનેજર સિવાય એક પણ કાયમી કર્મચારી નથી. ગોડાઉન મેનેજરનો ચાર્જ અમરેલીના મનીષ કુબાવતને આપવામાં આવ્યો છે. તેઓ સપ્તાહમાં એક વખત રાજકોટના વેરહાઉસની મુલાકાત લે છે. બાકીના દિવસોમાં તેઓ અમરેલીમાં જ રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

હાલ જે કર્મચારીઓ દવાની સપ્લાય કરે છે. તે આઉટસોર્સ કર્મચારીઓ છે. આખુ વેરહાઉસનું સંચાલન રાજકોટના એમ.જે. સોલંકીની કંપનીને સોંપવામાં આવ્યું છે.આમ બિલાડીને દૂઘના રખોપા સોપવામાં આવ્યા છે. 500 કરોડની દવા અને સાધનો સપ્લાય કરવા માટે સરકારના કોઈ વિશ્વાસુ કર્મચારી જ નહી હોવાનું જાણવા મળ્યું છે. દવાનો જથ્થો સરકાર મોકલે છે. પરતું તેની સપ્લાય બરાબર થાય છે કે નહી તે અંગે અનેક શંકાકૂશંકા જન્મી છે.

વેરહાઉસમાં 700 પ્રકારની દવાનો સ્ટોક

રાજ્ય સરકાર દ્વારા રાજકોટના વેરહાઉસમાં 500 કરોડની 700 પ્રકારની દવા મોકલી છે. જે 115 સેન્ટરમાં સપ્લાય કરવામાં આવે છે. દવા સપ્લાય કરવા માટે આરોગ્ય વિભાગે જેને જવાબદારી સોંપી છે. તે ડેપો મેજેનરની ગેરહાજરીમાં વિતરણ કરવામાં આવતો હોવાનું વિગત પ્રકાશમાં આવી છે.

પલળેલો દવાનો જથ્થો મોરબી મોકલવાનો હતો

વેરહાઉસમાં સ્કિન ક્રીમ, પીપીઈ કિટનો જથ્થો પલળી ગયો હતો. તેમાંથી ક્રીમનો જથ્થો મોરબી મોકલવામાં આવનાર હતો.પરતું વરસાદના કારણે ક્રીમના બોકસ પલળી ગયા હોવાથી તેને સુકાવા માટે રાખવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

બેદરકાર કર્મચારી સામે પગલાં લેવાશે : MD

સરકારી દવાના ગોડાઉનમાં દવાનો જથ્થો પલળી જવાની ઘટનામાં ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લીમેટેડના મેનેજીંગ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વડી કચેરી તરફાથી આ અંગે તપાસ કરી અહેવાલ રજૂ કરવા ટીમ મોકલવામાં આવનાર છે. પરતું ઘટનાના 24 કલાક પછી પણ ગાંધીનગરથી ટીમ આવી ન હતી.તેમજ જવાબદાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

કોવિડમાં ખરીદેલી કિટ નાંખી દેવાની હતી

વરસાદથી રાજકોટના વેરહાઉસમાં પલળી ગયેલી પીપીઈ કીટ વર્ષ 2020માં કોરોના વખતે ખરીદ કરવામાં આવી હતી. આ કીટની અવધિ પૂરી થઈ ગઈ હોય આ કોઈ હોસ્પિટલને સપ્લાય કરવામાં આવનાર ન હતી. પરતું કિટને ફેંકી દેવા માટે બહાર રાખવામાં આવી હતી.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button