ભાવનગર શહેરના એક શિક્ષક સાથે અતિ લોભ પાપનું મૂળ આ કહેવત સાર્થક સાબિત થઈ છે, કારણ કે શિક્ષકે શેરબજારમાં રોકાણની લાલચમાં આવી 52 લાખ જેવી રકમ ગુમાવી છે. જેને લઈને સાયબર ક્રાઈમમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.
લાલચના કરાણે શિક્ષકે રૂપિયા 52 લાખ ગુમાવ્યા
ભાવનગર શહેરમાં ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ ઉપર એક ફોન આવ્યો અને શેરબજારમાં રોકાણ કરી તમામ IPO લાગશે તેમજ ટ્રેડિંગનો ચાર્જ પણ ઓછો થશે તેવી લાલચ આપી હતી અને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ 17 વખત ટ્રાન્જેક્શન કરાવવામાં આવ્યા હતા અને કુલ 52,37,000ની રકમ એકાઉન્ટમાં નખાવવામાં આવી હતી. ત્યારબાદ બાદ શિક્ષક ચેતનભાઈને રકમ વિડ્રો કરવી હતી, તે સમયે રકમ વિડ્રો ના થતાં શિક્ષક છેતરાયો હોવાનું માલુમ પડ્યું હતું અને તાત્કાલિક રેન્જની સાયબર ક્રાઈમ ટીમનો સંપર્ક કરવામાં આવ્યો અને ત્યાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી.
ઓગસ્ટ મહિનામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી
રેન્જની સાયબર ક્રાઈમમાં શિક્ષક દ્વારા ઓગસ્ટ મહિનામાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આરોપીઓને શોધવા માટે ટીમ બનાવી બેન્ક એકાઉન્ટ તપાસી આરોપીઓની લિંક મેળવવામાં આવી. આ દરમ્યાન હાલ અમદાવાદ ખાતે અલગ અલગ વિસ્તારોમાં રહેતા 3 યુવકો સુધી સાયબર ક્રાઈમની ટીમનો સ્ટાફ પહોંચ્યો અને આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.
યુવાનો રાતોરાત પૈસાદાર બનવા ઈચ્છે છે
આ ત્રણેય આરોપીઓની રેન્જની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી લીધી છે અને હવે રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. જો કે સાયબર ક્રાઈમની ટીમને બેન્ક એકાઉન્ટની તપાસ કરવા દરમ્યાન મહત્વની કડી મળતા આરોપીઓ સુધી ટીમ સરળતાથી પહોંચી શકી હતી. ઉલ્લેખનીય છે કે આજકાલના યુવાનો શોર્ટ કટ રસ્તો અપનાવી રાતોરાત પૈસાદાર બનવા અવનવા કરતબો અજમાવે છે અને જ્યારે કરતબો તેમના ઉંધા પડે છે, ત્યારે તેમની પાસે પસ્તાવવા સિવાય અન્ય કોઈ રસ્તો હોતો નથી અને આખરે જેલની હવા ખાવાનો વારો આવે છે.
ઉલ્લેખનીય છે કે રાજ્ય સહિત સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ દિવસેને દિવસે સતત વધી રહી છે અને સાયબર ઠગ દ્વારા લોકોને લુંટી લેવામાં આવે છે, જેના કારણે સામાન્ય લોકો મોટા પ્રમાણમાં હેરાન થઈ રહ્યા છે.
Source link