ગુજરાત સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા.૨૮/૧૨/૨૦૨૪ ના રોજ પાંચમી રાજ્યકક્ષા ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા-૨૦૨૪-૨૫ ચોટીલા ડુંગર તળેટી ખાતે યોજાનાર છે. સવારે ૦૭:૦૦ કલાકે મહાનુભાવો દ્વારા ફ્લેગઓફ કરી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવવામાં આવશે.
જાહેરનામું પણ કરાયું પ્રસિદ્ધ
ચોટીલા પર્વત ઉપર જતાં યાત્રાળુઓને કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઊભી થવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય, આવા સંજોગોમાં ચોટીલા પર્વત ઉપર જતાં યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક-યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવાના હેતુ માટે, સીડી ઉપર સ્પર્ધા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અકસ્માત, જાનહાનીની સંભાવના નિવારી શકાય તે હેતુથી આ સ્પર્ધા દરમ્યાન ચોટીલા તળેટીથી ડુંગરે મંદીર તરફ જતાં ચોટીલા પર્વતની સીડીના પગથિયાં ઉપર આવવા-જવા માટેનું પ્રતિબંધક જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે.ઓઝા દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાનો નહી કરાય ભંગ
આ જાહેરનામા અનુસાર, તા.૨૮/૧૨/૨૦૨૪ના રોજ સવારના ૦૬:૦૦ થી ૧૦:૦૦ કલાક (કુલ-૦૪ કલાક સુધી) ચોટીલા તળેટીથી મંદીર તરફ જતા ચોટીલા પર્વતના પગથીયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિઓ/યાત્રાળુઓને ચોટીલા પર્વતના પગથીયાનો તળેટીથી મંદિર સુધી ચડવા-ઉતરવા કે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ જાહેરનામું સ્પર્ધા વ્યવસ્થામાં ફરજ બજાવનાર સ્પર્ધાના અધિકૃત અધિકારીઓ/સ્વયંસેવકોને લાગુ પડશે નહી.જો કોઇ ઇસમ ઉપરોકત જાહેરનામાનો ભંગ કરશે, તેમ કરવામાં મદદગારી કરશે તો ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ દંડ અને શિક્ષાને પાત્ર થશે.
325 સ્પર્ધકો લેશે ભાગ
ગુજરાતભરનાં જુનિયર સાહસવીર ભાઈઓ – બહેનો માટે તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૪, શનિવારનાં સવારે ૦૭.૦૦ કલાકે ચોટીલા તળેટી, તા. ચોટીલા, જિ. સુરેન્દ્રનગર ખાતે યોજાશે. જેમાં રાજ્યના ૧૪ થી ૧૮ વર્ષના ૨૩૪ યુવક અને ૯૧ યુવતી એમ કુલ ૩૨૫ જેટલા સ્પર્ધકો ભાગ લેશે. આ તમામ સ્પર્ધકોએ તા.૨૭/૧૨/૨૦૨૪, સાંજે ૦૪:૩૦ કલાકે ચોટીલા ટ્રસ્ટ નિવાસ, ચોટીલા તળેટી, ચોટીલા ખાતે રિપોર્ટીંગ કરવાનું રહેશે. તેમજ સ્પર્ધાનાં દિવસે સવારે ૬:૩૦ કલાકે હાજર થવાનું રહેશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
Source link