ભારતે પહેલી T20 મેચમાં ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ પહેલી બોલિંગમાં સારું પ્રદર્શન કર્યું અને ઈંગ્લિશ ટીમને 132 રનના સ્કોર સુધી મર્યાદિત રાખી. ત્યારબાદ, અભિષેક શર્માની અડધી સદીના કારણે, ભારતે 13મી ઓવરમાં જ 133 રનનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો. આ મેચમાં ટીમ ઈન્ડિયા વિજયી સાબિત થઈ તેના ઘણા પાસાં હતા.
અભિષેક શર્મા ફોર્મમાં પાછો ફર્યો
અભિષેક શર્માએ એક વિસ્ફોટક બેટ્સમેન તરીકે પોતાનું નામ બનાવ્યું છે. ઈંગ્લેન્ડ સામેની પહેલી T20 પહેલા, તેને 11 ઈનિંગ્સમાં 171.81 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 256 રન બનાવ્યા હતા. પરંતુ તેમનો 24 કરતા ઓછો સરેરાશ ચિંતાનો વિષય રહ્યો. હવે તેને માત્ર 34 બોલમાં 79 રનની ઈનિંગ રમીને કોલકાતામાં ધૂમ મચાવી દીધી છે. તેને પહેલા 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને તેની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા પણ ફટકાર્યા. તેનું ફોર્મમાં પાછા ફરવું એ ભારતની જીતનું એક મોટું કારણ હતું.
ઈંગ્લેન્ડને મોટી ભાગીદારી કરતા અટકાવ્યું
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય બોલરોએ શરૂઆતથી જ ઈંગ્લેન્ડના બેટ્સમેન પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું હતું. અર્શદીપ સિંહે ઈંગ્લેન્ડને શરૂઆતના બે ઝટકા આપ્યા, બાકીનું કામ વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે વચ્ચેની ઓવરોમાં કર્યું. ઈંગ્લેન્ડ માટે સૌથી મોટી ભાગીદારી 48 રનની હતી, જે જોસ બટલર અને હેરી બ્રુક દ્વારા કરવામાં આવી હતી. તે સિવાય, કોઈ મોટી ભાગીદારીના અભાવે, ઈંગ્લેન્ડ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગયું.
વરુણ ચક્રવર્તીનો ઘાતક જાદુ
ભારતીય ટીમની જીતમાં વરુણ ચક્રવર્તીના ઘાતક સ્પેલનો પણ મહત્વપૂર્ણ ફાળો હતો. તેને પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 23 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ લીધી. સૌથી પહેલા તેને એક જ ઓવરમાં હેરી બ્રુક અને લિયામ લિવિંગસ્ટોનને આઉટ કરીને ઈંગ્લેન્ડને બેવડો ઝટકો આપ્યો. તે પછી, તેને કેપ્ટન જોસ બટલરની વિકેટ પણ લીધી. ચક્રવર્તી એટલા શાનદાર ફોર્મમાં છે કે તેને છેલ્લી 8 મેચમાં 20 વિકેટ લીધી છે.