શ્રેયસ ઐયર ઘરેલુ ક્રિકેટમાં સતત સારું ફોર્મ બતાવી રહ્યો છે. IPL 2025 પહેલા તેને બીજી સદી ફટકારી હતી. આ વખતે ઐયરે 10 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 114 અણનમ રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સદી વિજય હજારે ટ્રોફીમાં ઐયરના બેટથી જોવા મળી હતી. કર્ણાટક સામે રમાઈ રહેલી મેચમાં મુંબઈના કેપ્ટને સદી ફટકારી હતી.
શ્રેયસ ઐયરે ફટકારી શાનદાર સદી
ઐયરે 55 બોલમાં 114 અણનમ રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેને 51 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. અગાઉ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ ઐયરના બેટમાંથી સદી જોવા મળી હતી. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની પ્રથમ મેચમાં પણ ઐયરે સદી ફટકારી હતી. ત્યારબાદ તેને ગોવા સામે 130 અણનમ રનની ઈનિંગ રમી હતી. હવે વિજય હજારે ટ્રોફીમાં પ્રથમ મેચ રમી રહેલા મુંબઈના કેપ્ટને સદી ફટકારી હતી.
ઐયરની સદી અને શાનદાર ફોર્મ પંજાબ કિંગ્સ માટે સારા સમાચાર છે. પંજાબે ઐયરને 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ કિંમત સાથે ઐયર IPL ઈતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.
મુંબઈએ બનાવ્યા 382 રન
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં કર્ણાટકની ટીમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈએ 50 ઓવરમાં 382/4 રન બનાવ્યા હતા. ઐયરે ટીમ તરફથી સૌથી વધુ રન બનાવ્યા હતા. આ સિવાય વિકેટકીપર બેટ્સમેન હાર્દિક તોમરે 94 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા હતા. આયુષ મહાત્રે અને શિવમ દુબેએ પણ સારું પ્રદર્શન કર્યું. આયુષે 82 બોલમાં 6 ફોર અને 2 સિક્સરની મદદથી 78 રન બનાવ્યા હતા. જ્યારે છઠ્ઠા નંબર પર બેટિંગ કરી રહેલા શિવમ દુબેએ 36 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા.
રોમાંચક મેચમાં કર્ણાટકની શાનદાર જીત
383 રનના લક્ષ્યાંકનો પીછો કરવા આવેલા કર્ણાટકની શરૂઆત સારી રહી ન હતી કારણ કે નિકિન જોસ માત્ર 21 રન બનાવીને આઉટ થયો હતો. જે બાદ કેપ્ટન મયંક અગ્રવાલે કેવી અનીશ સાથે મળીને 70 રનની ભાગીદારી કરી હતી. અહીંથી, કર્ણાટકની ટીમે મેચમાં પ્રભુત્વ મેળવવાનું શરૂ કર્યું. કેએલ શ્રીજીથે 101 બોલમાં 150 રનની અણનમ ઈનિંગ રમીને તેની ટીમની જીત સુનિશ્ચિત કરી. તેને પહેલા અનીશ સાથે 94 રન તથા પ્રવીણ દુબે સાથે 183 રનની અણનમ ભાગીદારી કરીને કર્ણાટકને જીત સુધી પહોંચાડ્યું હતું.