દિવાળીના તહેવારને લઈ લોકો પોતાના વતન જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે તો દિવાળીના પર્વને લઈ ST વિભાગ પણ સજ્જ થયો છે. પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે એસટી નિગમ દ્વારા દિવાળીના તહેવારને લઈ વધારાની બસો દોડાવાશે.
સુરતથી સૌરાષ્ટ્ર માટે 2200 એકસ્ટ્રા ટ્રીપ દોડાવશે
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ, જિલ્લામાંથી મોટી સંખ્યામાં સુરતમાં વ્યવસાય અર્થે સ્થાયી લોકો થયેલા છે. તે તમામ લોકો દિવાળીના તહેવારોમાં પોતાના વતન જતા હોય છે. જેને લઈ એસટી નિગમ દ્વારા પણ સુરતથી ખાસ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત એસ.ટી વિભાગ દ્વારા 26થી 30 ઓક્ટોબર 2024 દરમિયાન સૌરાષ્ટ્ર તરફ 2200 બસનું સંચાલન કરશે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, રાજકોટ માટે સૌથી વધુ એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી 2900 વધારાની ટ્રીપ
તેમજ રાજ્યભરના વિવિધ રૂટો ઉપર એક્સ્ટ્રા સર્વિસોનું સંચાલન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. એસટી નિગમની વેઈસાઈટ www.gsrtc.in પરથી મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકીંગ કરી શકશે. ચાલુ વર્ષે સુરતથી 2200 બસો, દક્ષિણ મધ્ય ગુજરાતમાંથી 2900 બસો, સૌરાષ્ટ્ર કચ્છમાંથી 2150 બસો અને ઉતર ગુજરાતમાંથી 1090 જેટલી બસો મળીને કુલ 8,340 ટ્રીપોનું એકસ્ટ્રા સંચાલન કરવાનું આયોજન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે.
ભાવનગરમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન
ભાવનગરમાં નવનિર્મિત વિભાગીય કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. હર્ષ સંઘવીએ એસ.ટી બસમાં મુસાફરીને લઈ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે ગુજરાતના એક શહેરથી કોઈપણ શહેરમાં જવા આવવા માટે આખી બસનું બુકિંગ કરાવશો તો એસ.ટી.બસ પોતાના ઘરના આંગણે આવી જશે. પ્રાઈવેટ બસો દ્વારા જે સુવિધા આપવામાં આવે છે, તેવી જ સુવિધાનો લાભ હવે એસ.ટી આપશે.
ત્યારે દિવાળી વેકેશન માટે સુરતથી ભાવનગર, અમરેલી આવવા માટે પણ બસની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે.
Source link