- ચિત્રાખાડી વિસ્તારમાં વરસાદી પાણી અને ગંદકીનું સામ્રાજ્ય
- દૂષિત પાણી વરસાદી પાણીમાં ભળતાં નર્કાગાર પરિસ્થિતિમાં રહેતા રહીશો
- શુક્રવારે 13 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું
ગોધરાના ખાડી ફળિયામાં માર્ગ ઉપર જમાવડો થયેલા દૂષિત પાણી વચ્ચે જનાજો લઈ જવા રહીશો મજબૂર બન્યા હતા.મૃતદેહનો જનાજો દફ્નવિધિ પૂર્વે મસ્જીદ ખાતે લઈની સામાજીક પરંપરા નિભાવવા માટે જવાના માર્ગ ઉપર દૂષિત પાણી હોવા ઉપરાંત અન્ય કોઈ માર્ગ નહિં હોવાથી ડાધુઓ નાછૂટકે ગંદકી વાળા પાણી માંથી પસાર થયા હતા.
ચિત્રાખાડી રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર યોગ્ય નિકાલ અભાવે વરસાદી પાણી અને ગંદકીનું સામ્રાજ્ય હાલ જોવા મળી રહ્યું છે.આ વિસ્તારમાં મચ્છરના ભારે ઉપદ્રવ અને ગંદકીના કારણે 13 બાળકો બીમાર થયા જે પૈકી બે બાળકોના સારવાર દરમિયાન શંકાસ્પદ ડેન્ગ્યૂથી મોત નીપજ્યાં છે. ભૂગર્ભ ગટર લાઇનનું દૂષિત પાણી પણ બેક થઈ બહાર આવી વરસાદી પાણીમાં ભળતાં નર્કાગાર પરિસ્થિતિમાં જીવન વ્યતિત કરવા રહીશો મજબૂર બન્યા છે. આ સમસ્યા અંગે પાલિકામાં વારંવાર રજુઆત કરવા છતાં વરસાદી પાણીના નિકાલની સ્થિતિ ઠેર ની ઠેર જોવા મળી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જો સમયસર સફાઈ કરી ભરાવો થયેલા વરસાદી પાણીનો નિકાલ નહિં કરવામાં આવે તો રોગચાળો વકરે એવી સર્જીત પરિસ્થિતિની પણ શક્યતાઓ નકારી શકાય એમ નથી.
ગોધરા શહેરના ચિત્રા ખાડી ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પાણીનો જમાવડો થયો છે સાથે જ અહીં ભૂગર્ભ ગટરના પાણી પણ ઉભરાઈને બહાર આવી ભળી રહ્યા છે જેથી અહીં દૂષિત પાણી ઠેરઠેર ભરાઈ ગયું છે. રહેણાંક મકાન બહાર આંતરિક માર્ગો ઉપર દૂષિત પાણી વચ્ચે સૌ રહેવા અને પસાર થવા મજબૂર બન્યા છે. આ વિસ્તારમાં મચ્છરનો ખુબ જ ઉપદ્રવ થવાથી હાલ 13 બાળકો બીમાર છે જે પૈકી બે બાળકોના સારવારમાં શંકાસ્પદ ડેન્ગ્યૂની અસરથી મૃત્યુ નીપજ્યાં છે. આ વિસ્તારમાં હિન્દૂ અને મુસ્લિમ બંને સમાજના પૈકી મહત્તમ પરિવારો મજૂરી કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. શુક્રવારે 13 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેની દફ્નવિધિ માટે જનાજો મસ્જિદ ખાતે લઈ જવા માટે દૂષિત પાણી ભરેલા માર્ગ સિવાય કોઈ વિકલ્પ નહી હોવાથી સૌ અહીંથી પસાર થવા મજબૂર બન્યા હતા.
અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ મોત નો મલાજો જળવાય એટલું તો જરા વિચારો ચિત્રા ખાડી વિસ્તારના રહીશો નિરાશ વદને જણાવી રહ્યા છે કે દૂષિત પાણી વચ્ચે અમે સહન કરીને જીવી રહ્યા છીએ પણ મોત નો મલાજો જળવાય એટલું તો જરા વિચારવામાં આવે. મસ્જિદ,મંદિર જવાના માર્ગો ઉપર પાણીનો નિકાલ કરાવવામાં આવે એવી સરકાર અને તંત્રને વિનંતી કરી રહ્યા છે.
ખાડી વિસ્તારના વરસાદી પાણીમાં સાપ, ભૂંડ અને શ્વાનનો કાયમનો અડિંગો
ચિત્રા ખાડી વિસ્તારમાં જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો છે જેમાં સાપ,ભૂંડ અને શ્વાન અડીંગો જમાવી રહ્યા છે અને ગંદકી ફેલાઈ રહી છે. દૂષિત પાણી વચ્ચે સાપ ઘરમાં ઘૂસી જવા તેમજ કરડવાની અમને બીક લાગે છે એમ સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું. વધુ વરસાદ હોય તો નાના બાળકો પાણી માંથી પસાર થઈ શકતા નથી જેથી અભ્યાસ માટે મોકલવામાં નથી આવતાં અને ગંદકી વાળા પાણી માંથી અમે અવરજવર કરીયે છીએ જેની અસર પગના તળિયા માં થાય છે અને ચર્મ રોગનો શિકાર બની રહ્યા છીએ ત્યારે અહીં રોગચાળો વકરે એ પૂર્વે આ પાણીનો નિકાલ કરવામાં આવે એવી અમારી માંગ છે એમ મહિલાઓ રડમસ સ્વરે જણાવતી જોવા મળી હતી.
Source link