- બે કલાક રાહ જોવડાવી, હવે ફરી એપોઇન્ટમેન્ટ લઈને જવું પડે તેવી સ્થિતિ
- નોકરી-ધંધો છોડીને ITI-WIAAમાં સંસ્થામાં આવેલા અરજદારોને ધક્કો પડયો
- આખો દિવસ સર્વરના લીધે કાચા લાઇસન્સની પરીક્ષા આપવામાં લોકોને મુશ્કેલી પડી
સપ્તાહના પ્રથમ દિવસે જ અમદાવાદ સહિત રાજ્યની 38 આરટીઓ કચેરીમાં સવારથી સારથિ સર્વરની સમસ્યા જોવા મળી હતી. અરજદારો પણ અરજી કરે તો થઈ શકતી ન હતી. આઇટીઆઇ અને WIAA સંસ્થામાં કાચાં લાઇસન્સની પરીક્ષા આપવા ગયેલા અરજદારોને બેસી રહેવું પડયું હતું.
નોકરી ધંધા પર અડધી રજા લઈને આવેલા લોકો પણ પરેશાન થઈને રવાના થઇ ગયા હતાં. પરીક્ષા આપ્યા વગર ચાલ્યા ગયેલા લોકોએે હવે ફરી એપોઇન્ટમેન્ટ લઇને જવું પડશે. આખો દિવસ સર્વરના લીધે કાચા લાઇસન્સની પરીક્ષા આપવામાં લોકોને મુશ્કેલી પડી હતી.
બીજી તરફ પાકાં લાઇસન્સ માટે ડુપ્લિકેટ, સુધારા-વધારા અને રિન્યૂ સહિતના કામ માટે અરજીઓ કરાવમાં અરજદારોને મુશ્કેલી પડી હતી. બપોર પછી તો વાહનવ્યવહાર વિભાગે વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરી દીધી હતી કે, સર્વર અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી પાકાં લાઇસન્સ સબંધિત કામ માટે અરજદારો અરજી કરી શકશે નહીં. જેના લીધે પાકાં લાઇસન્સ સંબંધિત અરજી કરનાર અરજદારો પરેશાન થઇ ગયા હતાં. કેટલાકે તો એજન્ટોને કામ સોંપી દેવું પડયું હતું. ઉલ્લેખનીય છે કે, આરટીઓમાં રોજ એક હજારથી વધુ અરજીઓ થતી હોય છે. સમગ્ર રાજ્યમાં આવી સ્થિતિ જોવા મળી હતી.
મહત્ત્વનું છે કે, છેલ્લાં કેટલાક સમયથી આરટીઓની કચેરી મુશ્કેલીની કચેરી બની ગઈ છે. વરસાદના કારણે ટ્રેક ઉપર પાણી ભરાઈ જવાના કારણે લોકોને દૂરદૂરથી ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે હવે સર્વર ઠપ થતાં લાઈસન્સ માટે હેરાન થવાનો વારો આવી રહ્યો છે.
Source link