- ટ્રસ્ટી તરીકે દૂર કરાયેલાએ વર્ચસ્વ બતાવવા ફરિયાદ કર્યાનું જણાય છે : HC
- નાણાકીય ઉચાપતની FIR રદ કરવા ટ્રસ્ટીઓની અરજી પર 19મી સપ્ટે. સુનાવણી
- જે વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે, તેને ખુદ ટ્રસ્ટમાંથી દૂર કરાયો છે
સુપ્રસિધ્ધ શામળાજી મંદિરના શ્રી ત્રિલોકનાથ વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જ નાણાંકીય ઉચાપતનો વિવાદ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. મંદિરના ત્રણ ટ્રસ્ટીઓ તરફ્થી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફ્થી હાથ ધરાયેલી ફોજદારી કાર્યવાહી સામે હાઇકોર્ટમાં રિટ અરજી કરાઇ હતી.
જેની સુનાવણીમાં હાઇકોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવી મનાઇ હુકમ ફરમાવ્યો હતો અને કેસની વધુ સુનાવણી તા.19મી સપ્ટેમ્બરે રાખી છે.હાઈકોર્ટે કેસની સુનાવણી દરમ્યાન ટકોર કરી હતી કે, પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય છે કે, આ ફરિયાદ ટ્રસ્ટી તરીકે દૂર કરાયેલ વ્યકિતએ પોતાનું વર્ચસ્વ બતાવવા માટે આ ફરિયાદ નોંધાવી હોય.
બીજીબાજુ,સુપ્રસિધ્ધ શામળાજી મંદિરના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ નાણાંકીય ઉચાપત મામલે નોંધાયેલી ફરિયાદ રદ કરવા દાદ માંગતી કવોશીંગ પિટિશનમાં એ મતલબની રજૂઆત કરાઇ હતી કે, જે વ્યકિતએ ફરિયાદ નોંધાવી છે, તેને ખુદ ટ્રસ્ટમાંથી દૂર કરાયો છે. કારણ કે, તેની વિરુદ્ધમાં મૃત ટ્રસ્ટીઓની સહીઓ કરવા ઉપરાંત, ટ્રસ્ટ સાથે છેતરપિંડી સહિતની ગંભીર બાબતો સામે આવતાં 2021માં તેને ટ્રસ્ટમાંથી કાઢી મૂકાયો હતો અને તેથી અદાવતમાં આ ફરિયાદ નોંધાવાઇ છે. વળી, ચેરિટી કમિશનરમાં આ મામલો પડતર છે અને જયાં સુધી ચેરિટી કમિશનરની તપાસ કે ત્યાં કોઇ નિર્ણય ના આવે ત્યાં સુધી આ પ્રકારની ફરિયાદ અસ્થાને છે. વળી, ફરિયાદી દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે, તે દાનમાં મળેલી રકમની એકએક પાઇ બેંકમાં જમા કરાવી દેવાઇ છે અને તેના પુરાવા પણ છે. કાયદાકીય જોગવાઇ મુજબ, મેજિસ્ટ્રેટ કોર્ટએ પોલીસ રિપોર્ટ, બેંકના સ્ટેટમેન્ટ સહિતના બધા દસ્તાવેજો ચેક કરવા પડે અને તપાસવા પડે પરંતુ પ્રસ્તુત કેસમાં મેજિસ્ટ્રેટ કોર્ટે આ ચકાસણી કર્યા વિના જ બારોબાર કોગ્નિઝન્સ લીધુ છે, તેથી મેજિસ્ટ્રેટ કોર્ટ તરફ્થી શરૂ કરાયેલી કાર્યવાહી અયોગ્ય અને ગેરવાજબી હોઇ અદાલતે કેસના સંજોગો અને હકીકતો ધ્યાને લઇ આ સમગ્ર મામલે ન્યાયોચિત દરમ્યાનગીરી કરવી જોઇએ.
Source link