GUJARAT

Gujarat Governmentની તીર્થદર્શન યોજનાઓમાં 1.42 લાખથી વધુ શ્રદ્ધાળુઓેએ લીધો લાભ

  • ‘શ્રવણ તીર્થ યોજના’ હેઠળ સૌથી વધુ 1,38, 748 શ્રદ્ધાળુઓએ મેળવ્યો લાભ
  • રાજ્ય સરકારની વડીલ શ્રદ્ધાળુઓને રૂપિયા 10.25 કરોડથી વધુ રકમની સહાય
  • કૈલાસ માનસરોવર યોજના હેઠળ સહાય રકમ વધારી રૂપિયા 50,000 કરાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક બાજુ રાજ્યમાં સ્થિત વિવિધ યાત્રાધામોનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે અને મુલાકાતીઓ તેમજ શ્રદ્ધાળુઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે તો બીજી બાજુ રાજ્ય સરકાર કેટલીક એવી યોજનાઓ પણ ચલાવી રહી છે, જેના થકી હજારો શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને રાહત દરે પોતાના મનગમતા તીર્થસ્થાનોના દર્શન કરી રહ્યા છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ 1 લાખ 38 હજાર 748 શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો

રાજ્ય સરકારની શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થદર્શન યોજનાઓનો છેલ્લા 7 વર્ષોમાં 1 લાખ 42 હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ લાભ ઉઠાવ્યો છે, જે પૈકી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ 1 લાખ 38 હજાર 748 શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું કે શ્રદ્ધાળુઓને તેમના શ્રદ્ધા સ્થાનકો પર પહોંચાડી તેમને તેમના ઈષ્ટ દેવના દર્શન કરવામાં મદદ કરનારી આ વિવિધ યોજનાઓનું સંચાલન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) કરે છે અને આ યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય યોજના શ્રવણ તીર્થ દર્શન યોજના છે.

આ યોજનામાં રાજ્ય સરકાર વડીલોને તીર્થ દર્શન કરાવવા માટે શ્રવણની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજના ઉપરાંત અન્ય યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં કૈલાસ માનસરોવર યોજના અને સિંધુ દર્શન યોજના મહત્વની છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 2850 બસો દ્વારા વડીલોને કરાવાઈ તીર્થયાત્રા

રાજ્યમાં વસતા સીનિયર સિટિઝન્સ એટલે કે વરિષ્ઠ નાગરિકોને રાહત દરે તીર્થયાત્રા કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના અમલી છે, જેને વડીલોનો ભારે પ્રતિસાદ મળે છે. 2017-18થી ચાલતી આ યોજના હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1,38,748 શ્રદ્ધાળુઓને 2850 બસો દ્વારા તીર્થદર્શન કરાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ યોજના હેઠળ વડીલોને અત્યાર સુધીમાં કુલ રૂપિયા 10 કરોડ 25 લાખ 75 હજારની સહાય કરી છે.

ઉલ્લેખનીય છે કે 1 મે, 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસથી અમલી બનેલી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો પોતાના મનપસંદ તીર્થસ્થળોની સમૂહ-યાત્રા કરાવવામાં આવે છે. યોજના હેઠળ વરિષ્ઠ યાત્રીઓને રાજ્ય વાહન-વ્યવહાર (એસટી) નિમગની સુપર નૉન-એસી બસ, મિની નૉન-એસી બસ, સ્લીપર કોચ કે ખાનગી બસની યાત્રાના ખર્ચની 75 ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યાત્રીને સહાય તરીકે એક દિવસના ભોજનના રૂપિયા 50 તથા રહેવાના રૂપિયા 50 એમ કુલ રૂપિયા 100 અને મહત્તમ રૂપિયા 300 આપવામાં આવે છે.

કૈલાસ માનસરોવર યોજનામાં હેઠળ સહાય રકમ 23,000થી વધારીને 50,000 કરવામાં આવી

ગુજરાતના 2564 શ્રદ્ધાળુઓએ કૈલાસ માનસરોવર યોજનાનો લાભ મેળવ્યો છે અને આ યાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધાળુઓને રૂપિયા 581.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતી યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 23,000ની પ્રોત્સાહક સહાય આપવામાં આવતી હતી. પરંતુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષે આ પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરીને તેને રૂપિયા 50,000 કરી દેવામાં આવી છે.

 રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2 કરોડ 63 લાખ 10 હજારની સહાય પૂરી પાડવામાં આવી

તેવી જ રીતે વર્ષ 2017થી ચાલતી સિંધુ દર્શન યોજનાના હેઠળ 1754 લાભાર્થીઓએ તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે, જેમને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 2 કરોડ 63 લાખ 10 હજારની સહાય પૂરી પાડવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે લેહ-લદાખમાં યોજાતા સિંધુ દર્શન ઉત્સવ માટે ગુજરાત સરકાર દ્વારા સહાય પૂરી પાડવામાં આવે છે.

દર વર્ષે ગુરુ પૂર્ણિમાએ યોજાતા આ ઉત્સવમાં સિંધી સમુદાયના લોકો મોટા પ્રમાણમાં જોડાય છે અને શ્રદ્ધાળુઓ સિંધુ સ્નાન કરી પવિત્રતાની અનુભૂતિ કરે છે. આ યોજનામાં વર્ષમાં 300 પ્રવાસીઓને સહાય આપવામાં આવે છે. લાભાર્થી દીઠ રૂપિયા 15 હજારની સહાય આપવામાં આવે છે. જો પ્રવાસીઓની સંખ્યા વધી જાય તો ડ્રૉ દ્વારા 300 લાભાર્થીને સહાય કરવામાં આવે છે. 


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button