- રાજસ્થાનના ઉદયપુર શહેરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થતા મામલો બિચક્યો
- એક વિદ્યાર્થીએ બીજાને ચપ્પુ મારી દેતા ઈજાગ્રસ્ત વિદ્યાર્થી આઈસીયુમાં દાખલ, સ્થિતિ નાજુક
- ઉદયપુરમાં વાહનો અને કારને આગને હવાલે કરતા પોલીસે કલમ-144 લાગૂ કરી પોલીસ તૈનાત કર્યા
રાજસ્થાનના જાણીતા પ્રવાસન ધામ એવા ઉદયપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં ધોરણ-10મા અભ્યાસ કરતા એ જ સ્કૂલના બીજા વિદ્યાર્થીએ ચપ્પુથી હુમલો કરી દીધો હતો જેથી અચાનક જ શહેરનું વાતાવરણ ડહોળાઈ ગયું અને ઘણા સ્થળોએ આગચંપી અને તોડફોડ થવા લાગી હતી. ઉપદ્રવીઓએ ઘણા વાહનો અને કારમાં આગચંપી કરી હતી. સમગ્ર સ્થિતિને જોતા પોલીસે શહેરમાં કલમ-144ને લાગૂ કરી દીધી છે. આ ઘટના ઉદયપુર શહેરના સૂરજપોલ મથકમાં આવેલા ભટ્ટિયાની ચૌહટ્ટામાં આવેલી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળામાં બની હતી.
બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું
બનાવની જાણ થતા ઘટનાસ્થળે પહોંચી કલેકટરે લોકોને શાંતિ રાખવાની અપીલ કરી છે. ચપ્પુથી થયેલા હુમલામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સ્થિતિ ખૂબ જ નાજુક છે. તેની આઈસીયુમાં સારવાર ચાલી રહી છે. તબીબોની એક ટીમ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના મોનિટરિંગમાં લાગેલી છે. આ આખી ઘટના પછી શહેરના ખૂણે-ખૂણે પોલીસને ખડકી દેવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
મળતી માહિતી અનુસાર, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે કંઈ વાતને લઈ ઝઘડો થયો ઝઘડાનું કારણ હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું. આ બનાવ પછી એક સમુદાયના વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુના ઘા ઝીંકી ઈજા પહોંચાડી હતી. ઘાયલ વિદ્યાર્થી અંગેની ખબર આખા શહેરમાં વાયુવેગે ફેલાઈ જવા પામી હતી. જેથી મોટી સંખ્યામાં હિંદુ સંગઠનનાં લોકો એકઠાં થઈ હોબાળો શરૂ કર્યો હતો. હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
પોલીસ આખા મામલે તપાસમાં જોડાઈ
મળતી માહિતી અનુસાર, ઉદયપુર શહેરમાં બનેલી બે વિદ્યાર્થીઓ વચ્ચેના ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યા પછી જે સ્થિતિનું નિર્માણ થયું તેને લઈ પોલીસે પણ ઊંડાણથી તપાસ શરૂ કરી છે. શરૂઆતના ગાળાની તપાસમાં બંને વિદ્યાર્થીઓ વચ્ચે જૂની અદાવત હોવાની વાત સામે આવી છે. આ સિવાય ઉદયપુરની અશ્વિની બજારમાં કેટલાક વાહનોને આગને હવાલે કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.