- સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અક્રમ નામનો આરોપી હોવાનું સામે આવ્યું
- જરૂરિયાત મંદ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મેળવી તેમના બેન્ક એકાઉન્ટ ખોલાવી બેંકની પાસબુક તેમજ ચેક અને એટીએમ કાર્ડ મુખ્ય સૂત્રધારને આપતા
- સાયબર ક્રાઈમની ઘટનાઓને અંજામ આપવા માટે વિવિધ બેંક એકાઉન્ટની જરૂર પડતી હોય છે
દેશભરમાં સાયબર ક્રાઈમના ગુનાઓ વધી રહ્યા છે, ત્યારે વાસણા પોલીસે સાયબર ફ્રોડ માટે બેંક ખાતા પુરા પાડનાર ગેંગને ઝડપી લીધી છે. આ ગેંગ ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મેળવી તેમના બેન્ક એકાઉન્ટ ખોલાવતા હતા અને ફ્રોડ માટે તેનો ઉપયોગ કરતા હતા.
વાસણા પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ
વાસણા પોલીસે ત્રણ આરોપીઓ આસીમખાન બેલીમ, પાર્થ પરમાર અને આરીફ કુરેશીને ઝડપ્યા છે. જેઓ સાયબર ક્રાઈમના ગુનાઓને અંજામ આપવા માટે મુખ્ય સૂત્રધારની મદદ કરતા હતા. ક્રિકેટ સટ્ટા કાંડ તેમજ સાયબર ક્રાઈમની ઘટનાઓને અંજામ આપવા માટે વિવિધ બેંક એકાઉન્ટની જરૂર પડતી હોય છે, જેના માટે આરોપીઓ અમદાવાદ શહેરના ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓના ડોક્યુમેન્ટ મેળવી તેમના બેન્ક એકાઉન્ટ ખોલાવી બેંકની પાસબુક તેમજ ચેક અને એટીએમ કાર્ડ મુખ્ય સૂત્રધારને આપતા હતા. બેન્ક એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ આપનાર વ્યક્તિને 3-4 હજાર રૂપિયાની રકમ ચૂકવવામાં આવતી હતી, જેના બદલામાં આરોપીઓ મુખ્ય સૂત્રધાર પાસેથી રૂપિયા 8,000 વસૂલતા હતા.
આરોપીએ 12થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ
ઝડપાયેલા ત્રણેય આરોપીઓ મૂળ ભાવનગરમાં વતની છે અને નવા બેન્ક એકાઉન્ટ બનાવવા માટે તેઓ અમદાવાદ આવ્યા હોવાનો તપાસમાં ખુલાસો થયો છે. અત્યાર સુધીમાં આરોપીએ 12થી વધુ બેંક એકાઉન્ટ ખોલાવ્યા હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. જેનો ઉપયોગ સાયબર ક્રાઈમની ઘટનાઓને અંજામ આપવા માટે કરવામાં આવતો હતો. સાદા ક્રાઈમ સાથે જોડાયેલા આરોપીઓ હંમેશા ફ્રોડથી મેળવેલી રકમ એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં અને બીજા એકાઉન્ટથી ત્રીજા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હોય છે.
આવી ગતિવિધિઓને અંજામ આપવા માટે આ પ્રકારના ગરીબ અને જરૂરિયાત મંદ વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આરોપીઓની તપાસ કરતા તેઓની પાસેથી 12 જેટલા એટીએમ કાર્ડ તેમજ પાંચ મોબાઈલ ફોન અને શ્રીલંકાની ચલણી નોટો મળી આવી છે, જેને તપાસના કામે કબ્જે કરવામાં આવી છે. આરોપીઓની વધુ પૂછપરછ કરતા આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અક્રમ નામનો આરોપી હોવાનું સામે આવ્યું છે.
આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાની પણ ચર્ચા
મુખ્ય સૂત્રધાર અક્રમ પણ ભાવનગરનો હોવાનું સામે આવતા હાલ પોલીસે ભાવનગર પોલીસની મદદ લઈને મુખ્ય સૂત્રધારને ઝડપવા માટે ચક્ર ગતિમાન કર્યા છે, આ સાથે જ આરોપીઓ પાસેથી વિદેશી ચલણી નોટો મળી હોવાના કારણે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેને લઈને વાસણા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
Source link