- હાઈકોર્ટ સુધી હવાતિયા મારનાર વિવાદાસ્પદ અધિકારીઓને અંતે કાઢી મુકાયા
- પૂર્વ ચીફ ફાયર ઓફિસર M F દસ્તુરનો પુત્ર કૈઝાદ દસ્તુરને પણ નોકરીમાંથી હકાલપટ્ટી
- ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 અધિકારીને છેવટે ટર્મીનેટ કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડમાં બોગસ સ્પોન્સરશિપ લઈને ખોટા સર્ટિફીકેટના આધારે નોકરી મેળવનાર ત્રણ ડિવિઝનલ ફાયર ઓફિસર સહિત 9 અધિકારીને છેવટે ટર્મીનેટ કરવામાં આવ્યા છે.મ્યુનિ. ફાયર બ્રિગેડમાં યેન કેન પ્રકારે મેળવેલી નોકરી ટકાવી રાખવા માટે રાજકીય વગનો ઉપયોગ કરવા ઉપરાંત હાઈકોર્ટ સુધી હવાતિયાં મારવા છતાં 9 ફાયર ઓફિસરને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.
મ્યુનિ. ફાયર બ્રિગેડમાં વિવાદાસ્પદ 9 ફાયર અધિકારીઓ વિરૂદ્ધ બિનઅધિકૃત/ ખોટી સ્પોન્સરશિપ દ્વારા NFSC, નાગપુર ખાતે ખોટી રીતે પ્રવેશ મેળવીને શૈક્ષણિક લાયકાત મેળવવા સંબંધિત ફરિયાદ અંગે હાથ ધરાયેલી વિજિલન્સ તપાસ અને ઈન્ડસ્ટ્રીયલ રીલેશન (IR)ખાતાની તપાસમાં આક્ષેપો સાબિત થતાં AMC કમિશનર એમ. થેન્નારસને, તેમને નોકરીમાંથી ટર્મીનેટ કેમ ન કરવા તે અંગે ફાઇનલ શો કોઝ નોટિસ ફકટારવામાં આવી હતી. આ શો કોઝ અંગે વિવાદાસ્પદ તમામ- 9 અધિકારીઓે કરેલો ખુલાસો સંતોષકારક ન જણાતાં છેવટે તા. 22 ઓગસ્ટ, 2024ના રોજ AMC કમિશનર એમ. થેન્નારસને આ તમામ કર્મચારીઓ/અધિકારીઓને AMC નોકરીમાંથી ટર્મીનેટ કરવાનો હુકમ કર્યો છે.
સૂત્રોના જણાવ્યાનુસાર, ફાયરબ્રિગેડમાં ભૂતકાળમાં ફરજ બજાવતા અધિકારીઓએ પોતાના હોદ્દાના દુરુપયોગ કરી પોતાનાં સંતાનો અને લોકોને બોગસ સ્પોન્સરશિપના આધારે નાગપુરની NFSC કોલેજમાં પ્રવેશ અપાવી દીધો હતો. વર્તમાન અધિકારીઓ વિરુદ્ધ વિવિધ કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યા છે. જેમને ચાર્જશીટ આપવામાં આવી છે તે પૈકી કેટલાક અધિકારીઓ દ્વારા AMC વિરુદ્ધ અગાઉથી કોર્ટમાં કેસ કર્યો છે.
વિવાદી અધિકારીઓને શો કોઝ આપીને જવાબ આપવા 10 દિવસ અપાયા હતા
AMC ફાયરબ્રિગેડ વિભાગમાં બોગસ સ્પોન્સરશિપ લઈ નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી અને એના પ્રમાણપત્રના આધારે નોકરી મેળવનારા ત્રણ ડેપ્યુટી ફાયર ઓફ્સિરો સહિત કુલ 9 જેટલા અધિકારીને નોકરીમાંથી કાઢી મૂકવા માટે AMC કમિશનરે ઓર્ડર કર્યો હતો. ફાયર અધિકારીઓને બોગસ સ્પોન્સરશિપથી પ્રમાણપત્ર મેળવી ભરતી મામલે મ્યુનિ. I R વિભાગ દ્વારા ફાઇનલ શો-કોઝ નોટિસ ફટકારીને આ મામલે 10 દિવસમા જવાબ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો, જેમાં ફાયર વિભાગના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલો જવાબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યો નહોતો. સંતોષકારક જવાબ આપવામાં ન આવતાં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
4 સહાયક સ્ટેશન ઓફિસરે કઈ રીતે નોકરી મેળવી ?
ફાયર સ્ટેશન ઓફ્સિર શુભમ ખડીયા, અનિરુદ્ધસિંહ ગઢવી, મેહુલ ગઢવી અને અભિજિત ગઢવીએ સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ ન્યૂ દિલ્હીની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ-ઓફ્સિરનું પ્રમાણપત્ર મેળવી AMC ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. જ્યારે ફાયર ઓફ્સિર સુધીર ગઢવી અને સબ-ઓફ્સિર આસિફ્ શેખે કોશી હાઈડ્રો ઈલેક્ટ્રિક કોર્પો. લિ. માથેપુર બિહાર સ્થિત ખાનગી કંપનીની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ-ઓફ્સિરનું પ્રમાણપત્ર લીધું હતું અને તેના આધારે તેમણે AMC ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી હતી.
પૂર્વ ચીફ ફાયર ઓફિસર એમ. એફ. દસ્તુરે પોતાના પુત્રને નોકરી અપાવી ‘મોસાળમાં જમણવાર અને મા પીરસનારી’
AMC ફાયર બ્રિગેડના પૂર્વ ચીફ ફાયર ઓફિસર એમ. એફ. દસ્તુરના કાર્યકાળ દરમિયાન તેમના પુત્ર કૈઝાદ મહેરનોશ દસ્તુરે પણ NFSCમાં અયોગ્ય રીતે પ્રવેશ મેળવીને બોગસ સર્ટિફીકેટના આધારે AMC ફાયર બ્રિગેડમાં નોકરી મેળવી હતી. એમ. એફ. દસ્તુર સહિત AMCના અધિકારીઓ અને સત્તાવાળાઓએ કૈઝાદ દસ્તુરના ખોટા સર્ટિફીકેટ સહિત ડોક્યુમેન્ટનું જેન્યુઈન વેરીફીકેશન કર્યું હતું કે કેમ ? એવો પ્રશ્ન સર્જાયો છે. એમ. એફ. દસ્તુરે પોતાના હોદ્દાનો લાભ લઈને પોતાના પુત્રને ફાયર બ્રિગેડમાં ભરતી કરી હતી. ‘મોસાળમાં જમણવાર અને મા પીરસનારી’ કહેવતને યથાર્થ ઠરાવવામાં આવી હોય તે પ્રકારે AMC ફાયર બ્રિગેડમાં ભરતી અને પિતા ભરતી કરનાર- કરાવનાર હોવાનું માનવામાં આવે છે. આ પ્રકારે M H દસ્તુર, AMC ફાયર બ્રિગેડમાં પોતાના વારસો જાળવી રાખવા ઈચ્છતા હતા. પરંતુ કૈઝાદ દસ્તુરને ટર્મીનેટ કરવામાં આવતાં એમ. એફ. દસ્તુરની મુરાદ બર આવી ન હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
વિવાદી અધિકારીઓની ‘ચોરી પર સિનાજોરી’
AMC ફાયર બ્રિગેડમાં બોગસ સ્પોન્સરશિપ અને ખોટા સર્ટિફીકેટના આધારે નોકરી મેળવના 9 વિવાદાસ્પદ અધિકારીઓએ ખોટું કર્યું હોવા છતાં તેમની સામે વિજિલન્સ અને ખાતાકીય તપાસ કરીને ફાઈનલ શો કોઝ ફટકારવામાં આવી તે દરમિયાન તેઓ ખોટો હક્ક પ્રસ્થાપિત કરવાની ‘મેલી મુરાદ’ સાથે કોર્ટમાં ગયા હતા. આમ, ખોટી રીતે નોકરી મેળવનાર અધિકારીઓએ ‘ચોરી પર સિનાજોરી’ કરી હોવાનું મ્યુનિ. વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
અયોગ્ય રીતે પ્રવેશ મેળવી ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી
AMC ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા ડિવિઝનલ ફાયર ઓફ્સિર ઇનાયત શેખ અને ઓમ જાડેજાએ ગુજરાત સ્ટેટ સિવિલ ડિફેન્સ અમદાવાદની બોગસ સ્પોન્સરશિપ દ્વારા નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં પ્રવેશ મેળવી સબ-ઓફ્સિરનું પ્રમાણપત્ર મેળવી અન્ય સંસ્થાઓમાં નિમણૂક મેળવી ફરજ બજાવી અને તેના અનુભવના આધારે ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી. પૂર્વ ચીફ ફાયર ઓફિસર M F દસ્તુરના પુત્ર એવા કૈઝાદ દસ્તુર કે જેઓ ગાંધીનગર અને અમદાવાદનો હવાલો સંભાળતા ડિવિઝનલ ફાયર ઓફ્સિરનો હવાલો સભાળતા હતા તેમણે નાગપુરની નેશનલ ફાયર સર્વિસ કોલેજમાં સબ-ઓફ્સિર્સ કોર્સ, સ્ટેશન ઓફ્સિર અને ઈન્સ્ટ્રક્ટર્સ કોર્સ તથા ડિવિઝનલ ઓફ્સિર્સ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેનો નિયત કરાયેલો અનુભવ મેળવ્યા સિવાય અયોગ્ય રીતે પ્રવેશ મેળવી AMCના ફાયર વિભાગમાં નોકરી મેળવી હતી.
Source link