- વડોદરામાં અનેક બ્રિજ પરથી પાણી બહાર વહી રહ્યું છે
- સમા-સાવલી બ્રિજ પાસેનો રોડ પાણીથી પેક થઈ ગયો છે
- વડોદરા શહેરમાં ભારે પવન સાથે ફરી મેઘરાજા વરસી રહ્યા છે
વડોદરા શહેરના અકોટા દાંડિયા બજાર બ્રીજ સીવાય તમામ બ્રીજ પરથી પાણી બહાર આવવા માંડ્યુ છે. અકોટા બ્રીજ ઉતર્યા બાદ અકોટા થી ગાય સર્કલ સુધી પાણી છે. આ સિવાય સમા-સાવલી બ્રિજ પાસેનો રોડ પણ આખો પાણીથી પેક થઈ ગયો છે.
વડોદરા શહેરમાં ફરી મેઘરાજાની બેટિંગ શરૂ
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, કચ્છ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યો છે. અહીં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ભારે વરસાદના આગાહીના પગલે મંગળવારે રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
સોમવારે ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. માહિતી વિભાગ અનુસાર રાજ્યમાં અત્યાર સુધીમાં 17 હજાર 827 લોકોનું સ્થળાંતર તેમજ એક હજાર 653 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની 13 અને SDRFની 22 ટીમ તહેનાત કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદના કારણે ગુજરાતનાં જળાશયોમાં પાણીની આવક થઈ રહી છે. રાજ્ય સરકારે જણાવ્યું કે ગુજરાતના 206 ડેમમાંથી 59 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. સાથે-સાથે 72 ડેમ હાલ હાઈ એલર્ટ ઉપર છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારમાં ભારે વરસાદની સંભાવનાઓને પગલે આ જિલ્લાઓના કલેકટરોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે.
Source link