Palitana: ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન અને હિન્દુ રાષ્ટ્રનું પ્રવચન પીરસ્યું, લોકોનું મળ્યું સમર્થન
- અવિરત વરસાદ અને પવન વચ્ચે પણ જૈન-જૈનેતરોની વિશાળ સંખ્યામાં હાજરી જોવા મળી
- માતા-પિતા અને ગુરુના પ્રણામ કરવાથી ભાગ્યની રેખાઓ બદલાઈ જાય છે: ધીરેન્દ્ર શાસ્ત્રી
- ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચાતુર્માસ ડોમમાં જૈન સાધુ- સાધ્વીજી ભગવંતો સાથે ધર્મગોષ્ઠિ પણ કરી
પવિત્રમાં પવિત્ર તીર્થનગરી તરીકે વિશ્વભરમાં સુપ્રસિદ્ધ પાલીતાણા તળેટીમાં જૈનોના ચાતુર્માસ મહોત્સવો ઉજવાય રહ્યા છે, અંકિબાઈ ઘમંડીરામ ગોવાણી પરિવારના સ્મરણાર્થે નિર્દેશના રમેશજી ગોવાણી પરિવારના લાભાર્થે આચાર્યશ્રી નયપદ્મસાગર મહારાજ સાહેબ તથા સાધ્વી શ્રી મયણશ્રીજી મ.સાં. ની નિશ્રામાં ચાતુર્માસ મહોત્સવ અંકિબાઈ ધર્મશાળામાં ચાલી રહેલો છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચાતુર્માસ ડોમમાં જૈન સાધુ- સાધ્વીજી ભગવંતો સાથે ધર્મગોષ્ઠિ પણ કરી
જેમાં જૈનચાર્ય અને નિર્દેશના રમેશજી ગોવાણીના આમંત્રણને માન આપી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સોમવારે બપોરે પાલીતાણા ખાતે પધાર્યા હતા અને વિશાળ ગ્રાઉન્ડમાં જૈન તેમજ જૈનેતરોને પ્રવચન આશીર્વાદ પીરસી બાદમાં અંકિબાઈ ધર્મશાળામાં ચાતુર્માસ ડોમમાં જૈન સાધુ- સાધ્વીજી ભગવંતો સાથે ધર્મગોષ્ઠિ પણ કરી હતી.
જન્માષ્ઠમી લઈને ભગવાન શ્રી કૃષ્ણના પ્રસંગો પણ બંને સાધુઓએ કહ્યા હતા
પાલીતાણા તળેટીમાં સાચોરી ભવન પાસે આવેલ વિશાળ મેદાનમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી અને આચાર્ય શ્રી નયદ્મસાગર મ.સાં એક મંચ પર આવતાની સાથે સીતારામ, જય શ્રી રામ, જય આદિનાથના નારાઓ લાગ્યા હતા અને બાદમાં દેશ, ધર્મ, રાષ્ટ્ર, સનાતન, હિન્દુ, ભક્તિ, ઉપરાંત ભારતને વિશ્વગુરુ બનાવવાની વાતો કરી લોકોને પ્રવચન પીરસ્યું હતું, ઉપરાંત વિશેષ તો સોમવારે જન્માષ્ઠમી લઈને ભગવાન શ્રી કૃષ્ણના પ્રસંગો પણ બંને સાધુઓએ કહ્યા હતા. ધર્મ અને જ્ઞાનની વાતો તેમજ પ્રસંગોની સાથોસાથ લોકોનો તાળીઓનો ગડગડાટ પણ શરૂ રહેતો હતો. સતત પડી રહેલા વરસાદ વચ્ચે પણ વિશાળ સંખ્યમાં લોકો ઉમટી પડયા હતા.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય ભીખા બારૈયા, નગરપાલિકાના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ગોહિલ, સહિતના રાજકીય આગેવાનો હિન્દુ સંગઠનો, તેમજ વિશાળ સંખ્યામાં જૈન – જૈનેતરો આ કાર્યક્રમ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.
મેદાનમાં બેસી શકાય તેવી સ્થિતિ ન હોવા છતાં લોકોએ ખડે પગે ઉભા રહીને શાસ્ત્રીજીની રાહ જોઈ
ઉલ્લેખનીય છે કે ગુજરાત ભરમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદનો ધોધ વરસી રહ્યો હોવા છતાં પાલીતાણામાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનો પ્રવાસ રદ કર્યા વગર સવારે 11 કલાકના બદલે બપોરે 4 કલાકે પણ પાલીતાણા પહોંચી કાર્યક્રમ કર્યો હતો. પાલીતાણાની પ્રજા ચાલુ વરસાદ સાથે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીજીની સવારથી જ રાહ જોઈ રહ્યા હતા, જોકે વરસાદના કારણે મેદાનમાં બેસી શકાય તેવી સ્થિતિ ન હોવા છતાં લોકો ખડે પગે ઊભા રહીને શાસ્ત્રીજીની રાહ જોઈ જૈનાચાર્ય અને શાસ્ત્રીજીને શાંતિથી સાંભળ્યા હતા, બાદમાં જેનાચાર્ય અને શાસ્ત્રી મંચ પર આવ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો બાદમાં કાર્યક્રમ પૂર્ણ થતાં મંચ છોડતા વરસાદ ફરી શરૂ થતા લોકો આશ્ચર્યચકિત બન્યા હતા.
Source link