- ઇ ડીવીઝન એસીપી દ્વારા 8 કલાક સુધી પુછપરછ કરવામાં આવી હતી
- પીઆઇ ખાચર પાસેથી લેપટોપ ઉપરાંત અનેક દસ્તાવેજો જપ્ત કરાયા હતા
- આ કેસમાં પોલીસને સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી હતી
શહેરના શીવરંજની વિસ્તારમાં રહેતા અને વાડજમાં ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. વૈશાલી જોષીએ ક્રાઇમબ્રાંચના કંપાઉન્ડમાં આવેલા આર્થિક ગુના નિવારણ શાખાની કચેરીની બહાર આત્મહત્યા કરી હતી. આ કેસમાં પોલીસને સ્થળ પરથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં પીઆઇ બી કે ખાચરના કારણે આત્મહત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આ કેસમાં પીઆઇ ખાચર ઘણાં દિવસથી ફરાર હતા. આજે ગાયકવાડ હવેલી પોલીસે ખાચરની અટકાયત કરી છે.
કોર્ટે તેના આગોતરા જામીન નામંજૂર કરી પોલીસ સમક્ષ હજાર થવાની સુચના આપીને આગામી 18મી તારીખે સુનાવણી હોવાથી ત્યાં સુધી ધરપકડ ન કરવાની સુચના આપી હતી. જેથી પીઆઇ બી કે ખાચર શનિવારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમા હાજર થયા હતા. જ્યાં એસીપીએ તેમની આઠ કલાક સુધી પુછપરછ કરવાની સાથે પીઆઇ પાસેથી લેપટોપ, મોબાઇલ ફોન અને અન્ય દસ્તાવેજો જપ્ત કર્યા હતા.
14 માર્ચના રોજ ડૉ. વૈશાલીએ આત્મહત્યા કરી હતી
શહેરના શીવરંજની વિસ્તારમા રહેતા 32 વર્ષીય ડૉ. વૈશાલી જોષીએ અમદાવાદ ક્રાઇમબ્રાંચના કેમ્પસમાં ગત 14મી માર્ચના રોજ હાથમાં ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. વૈશાલી જોષી પાસેથી મળી આવેલી ડાયરી અને સુસાઇડ નોટ તપાસતા સ્પષ્ટ થયુ હતું કે ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં ફરજ બજાવતા પીઆઇ બી કે ખાચર સાથે તેમને પ્રેમસંબધ હતો. આત્મહત્યાના પહેલા ચાર-પાંચ દિવસ તે પીઆઇ બી કે ખાચરને મળવા માટે આવતા હતા. પરંતુ, પીઆઇ ખાચરે તેમને મળવાનો ઇન્કાર કરતા તેમણે હાથમાં ઇન્જેક્શન મારીને આત્મહત્યા કરી હતી. આ બનાવ બાદ પીઆઇ ખાચર ફરાર થઇ ગયા હતા. તેમણે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે નકારીને આગામી સુનવણી ૧૮મી જુન સુધી પીઆઇ ખાચરને રાહત આપી હતી. જે બાદ પીઆઇ પી કે ખાચર ગાયકવાડ હવેલી પોલીસ સમક્ષ હાજર થયા હતા. જ્યાં ઇ ડીવીઝન એસીપી વાણી દુધાત દ્વારા પીઆઇ ખાચરની આઠ કલાક સુધી મેરેથોન પુછપરછ કરીને નિવેદન નોંધવામાં આવ્યું હતું. આ સાથે પોલીસે પીઆઇ ખાચરનો મોબાઇલ ફોન, લેપટોપ અને અન્ય ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા.
Source link