- આજે નેશનલ સ્પોર્ટ્સ દિવસ
- રાહુલગાંધીએ એક વીડિયો શેર કરીને આપી જાણકારી
- શરૂ કરશે ભારત ડોજો યાત્રા
આજે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ અવસર પર રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તેઓ જિઉ જિત્સુ માર્શલ આર્ટ્સની પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. તેના કેપ્શનમાં લખેલુ છે કે ભારત જોડો યાત્રા દરમિયાન તેઓ દરરોજ જિઉ જિત્સુની પ્રેક્ટિસ કર્યા કરતા હતા. જેમાં તેમની સાથે ઘણા લોકો જોડાતા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ ભારત ડોજો યાત્રા શરૂ કરવાના છે.
રાહુલગાંધીએ કર્યુ ટ્વિટ
વીડિયો શેર કરતી વખતે રાહુલ ગાંધીએ કેપ્શનમાં લખ્યુ છે કે ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જ્યારે અમે હજારો કિલોમીટરની મુસાફરી કરી ત્યારે અમારી કેમ્પ સાઇટ પર અમારો નિત્યક્રમ એવો હતો કે અમે દરરોજ સાંજે જીયુ-જિત્સુની પ્રેક્ટિસ કરતા હતા. જે ફિટ રહેવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત હતી. અમે જ્યાં રોકાયા હતા તે શહેરોના સાથી પ્રવાસીઓ અને યુવા માર્શલ આર્ટના વિદ્યાર્થીઓને એકસાથે સરળ રીતે શરૂ થયું અને બહુ ઝડપથી તે કમ્યુનિટી પ્રવૃત્તિમાં ફેરવાઈ ગઇ.
રાષ્ટ્રીય રમતગમત દિવસ
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે અમારો ધ્યેય આ યુવા દિમાગને જેન્ટલ આર્ટ ની સુંદરતાથી પરિચય કરાવવાનો હતો. તે ધ્યાન, જીયુ-જિત્સુ, આઈકિડો અને અહિંસક સંઘર્ષ નિવારણ તકનીકોનું સંયોજન હતું. અમારો ઉદ્દેશ્ય હિંસાને સજ્જનતામાં બદલવાનો હતો. તેઓને વધુ દયાળુ અને સુરક્ષિત સમાજ બનાવવા માટેના ટૂલ્સ આપવાનો હતો. રાષ્ટ્રીય રમતગમત દિવસના અવસર પર હું તમારા બધા સાથે મારો અનુભવ શેર કરવા માંગુ છું, આશા રાખું છું કે તમારામાંથી કેટલાકને ‘જેન્ટલ આર્ટનો અભ્યાસ કરવા માટે પ્રેરણા મળે. આ સાથે તેણે અંતમાં એક લાઇનમાં લખ્યું કે ભારત ડોજો ટુર ટૂંક સમયમાં આવી રહી છે.
ડોજો શું છે?
ડોજો એટલે શું. આવો સવાલ ચોક્કસ થાય ત્યારે તમને જણાવીએ કે ડોજો એ માર્શલ આર્ટની ટ્રેનિંગ હોલ અને સ્કૂલને કહેવાય છે. રાહુલ ગાંધીએ શેર કરેલા વીડિયોમાં તેઓ બાળકો સાથે માર્શલ આર્ટ કરતા જોવા મળી રહ્યા છે.
ભારત જોડો યાત્રા
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ વર્ષ 2022માં ભારત જોડો યાત્રા શરૂ કરી હતી. તેમણે લગભગ 150 દિવસ સુધી પગપાળા પ્રવાસ કર્યો હતો, જેમાં ઘણા લોકો તેમની સાથે જોડાયા હતા. તેમણે કન્યાકુમારીથી કાશ્મીર અને મણિપુરથી ગુજરાત સુધી સમગ્ર ભારતમાં પ્રવાસ કર્યો. વિધાનસભાની ચૂંટણીમાં ભલે આ મુલાકાતનો તેમને બહુ ફાયદો ન મળ્યો હોય. પરંતુ લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાનો ઘણો ફાયદો થયો.