- વરસાદના વિરામ વચ્ચે જિલ્લા કલેક્ટરે ઓચિંતી મુલાકાત લીધી
- બાવળામાં ગંદકીની સાફસફાઈમાં પાલિકાની કામગીરી શૂન્ય !
- સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી
બાવળા પંથકમાં તાજેતરમાં બે દિવસમાં 9 ઈંચ વરસાદ ખાબક્યો હતો.જેના પગલે શહેરમાં પણ સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ હતી.
તેમજ અમુક વિસ્તારો વીજળીથી વંચિત રહ્યા હતા હજુ પણ શહેરના બળીયાદેવ વિસ્તારમાં કેડ સમાણા પાણી ભરાયા છે. વરસાદ અને પાણી ભરાવા જેવા પ્રશ્નોને લઈને શુક્રવારે જિલ્લા કલેકટર ડી.કે પ્રવિણા સ્ટાફની ટીમ સાથે બાવળા શહેરના કેટલાક વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાલિકામાં મીટીંગ બોલાવી હતી. મિટિંગમાં બાવળા મામલતદાર, પાલિકા ચીફ્ ઓફ્સિર, TDO, DDO સહિત શહેરીજનો હાજર રહ્યા હતા. કલેકટર દ્વારા તમામ સમસ્યાઓ અંગે જે તે ખાતાના અધિકારીઓને લોકોની સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત તાલુકાની પાણીની નિકાલ સમસ્યાઓ અંગે જરૂરી પગલાં લેવા સૂચના આપી હતી. શહેરના મુખ્ય રસ્તાઓ પર કાર લઇ સ્થળ તપાસ કરતા કલેકટર દ્વારા ચીફ્ ઓફ્સિરને જણાવ્યું હતું કે જિલ્લા ખાતે બાવળા શહેરમાં સૌથી વધુ ગંદકીનું પ્રમાણ જોવા મળ્યું છે. સાફસફાઇ મુદ્દે બાવળા પાલિકા દ્વારા કામગીરી શૂન્ય હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત પાલિકામાં ચાલુ મિટિંગ શહેરના રહેવાસીઓ પોતાની સમસ્યાઓ લઈ પાલિકામાં આવી પહોંચ્યા હતા. તેમજ કેટલીક મહિલાઓએ હજુ પણ તેમના રહેણાંક વિસ્તારમાં ઢીંચણ અને કેડ સમાણા પાણી ભરાયાં હોવાનું જણાવ્યું હતું. તેમજ ઘણી સોસાયટીઓમાં લોકોને ઘરવખરીનું નુકસાન થયું છે. જે અંગે કલેકટર સામે રોષ પણ ઠાલવ્યો હતો.
Source link