- સહાયના નામે પૂરગ્રસ્તોની ક્રૂર મજાક, માંજલપુરમાં હોબાળો
- લોકોએ સરવેની ટીમને કહ્યું, સરકારને કહી દો વાજબી સહાય આપે, ભીખ નથી જોઈતી
- સરવે કર્યા વિના જ લોકો પાસેથી ફોર્મ ભરાવીને સહી- અંગૂઠા લગાવાયા
તંત્રની ગંભીર બેદરકારીને કારણે વડોદરા શહેરમાં પૂર આવ્યુ અને વડોદરાવાસીઓ તબાહ થઈ ગયા ત્યારે પૂરગ્રસ્તોને સહાયના નામે રાજ્ય સરકાર ક્રૂર મજાક કરી રહી છે.
એક પુખ્ય વયની વ્યક્તિ 1 દિવસ પાણીમાં ફસાયેલો હશે તો તેને રૂ.100ની કેશ ડોલ સહાય રાજ્ય સરકાર આપશે. આ સરવે માટે શહેરમાં 200 ટીમો ઉતારવામાં આવી છે. જેઓ સરવે કર્યા વિના જ લોકો પાસેથી ફોર્મ પર સહી – અંગુઠા લઈ રહ્યાં છે. શહેરના માંજલપુર ખાતેની સોના ટેકરી વિસ્તારમાં ટીમ સરવે માટે જતા હોબાળો મચી ગયો હતો.
માંજલપુરની અવધૂત ફાટક પાસે આવેલી સોના ટેકરી ખાતે પૂરના ગળાડુબ પાણી ભરાયા હતા ત્યારે આજે વડોદરા કલેક્ટર કચેરી હસ્તકની તલાટી ઓફિસની ટીમ પોલીસ જવાનો સાથે પૂરમાં થયેલા નુક્સાનીનો સરવે કરવા માટે બપોરે ત્યાં પહોંચી હતી. જેમાં સહાય માટે આવ્યા હોવાથી આધાર કાર્ડ લાવવા કહેતા લોકો ટોળે વળ્યા હતા. જેમાં કર્મચારીઓએ સોના ટેકરીમાં જઈને ઘરે ઘરે સરવે કરવાને બદલે મેઈન રોડ પર જ ઊભા ઊભા ફોર્મ ભરાવવા લાગ્યા હતા. જેમાં પુષ્તવયની એક વ્યક્તિ દીઠ રૂ.100ની સહાય મળશે તેવુ કહેતા જ લોકો ભડક્યા હતાં. 100 રૂપિયામાં શું આવે ?
ત્રણ દૂધની થેલીની સરકાર સહાય કરશે? તેમ કહીને આક્રોશ ઠાલવ્યો હતો અને તમારી સરકારને કહી દો આપવી હોય તો વાજબી સહાય આપે, અમને ભીખ નથી જોઈતી તેમ કહી દીધુ હતુ અને લોકોએ હોબાળો મચાવી દીધો હતો. જોતજોતામાં માહોલ ગરમાઈ ગયો હતો. લોકોએ ઘરે ઘરે આવીને સરવે કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી. એ પછી ટીમ સોના ટેકરીમાં પોલીસ સાથે પ્રવેશી હતી. તે પહેલા તો કેટલાક પાસેથી ફોર્મ ભરાવી લઈને તેમની પાસે સહી અને અંગુઠા લગાવી લીધા હતાં.
ઝૂપડુ હશે કે બંગલો ઘર દીઠ રૂા.2500ની સહાય જ મળશે
જિલ્લા કલેક્ટર બિજલ શાહે કહ્યુ હતુ કે, વ્યક્તિ દીઠ કેશ ડોલની સહાય અપાશે. જેમાં પુષ્ય વયની વ્યક્તિને એક દિવસના રૂ.100 લેખે અને સગીર વ્યક્તિને એક દિવસના રૂ.60 લેખે સહાય અપાશે. જ્યારે ઘર વખરી સહાયમાં ઘર દીઠ રૂ.2500ની સહાય ફિક્સ છે. તેમ કહ્યું હતું. એટલે કે પૂરમાં આખો બંગલો ડુબી ગયો હશે તો પણ રૂ.2500ની જ સહાય મળશે. એક નવો પૈસો વધારાનો સરકાર નહીં આપે તે સ્પષ્ટ છે અને ઝૂપડુ હશે તો પણ રૂ.2500નો જ મળશે. સરકારની નજરે બધા જ એક સરખાં. જ્યારે કેશ ડોલમાં પતિ, પત્ની અને બે બાળકો એક દિવસ પૂરના પાણીમાં ફસાયેલા હશે તો તેમને રૂ.320ની સહાય મળશે.
રૂા.1500 માટે સરકારી કચેરીના ધક્કા ખાવાના
ઘરમાં ગળા સુધીનુ પાણી ભરાયુ હતુ. ચાર દિવસ પાણીમાં રહ્યાં અને હેરાન પરેશાન થઈ ગયા. હજૂ આજે જ પાણી ઉતર્યા છે. ઘરમાં બધુ જ ખતમ થઈ ગયુ, પહેરેલા કપડે છીએ. બાકી કશું જ બચ્યું નથી. રૂ.1500 લેવા માટે સરકારી કચેરીના હવે ધક્કા જ ખાવાના.
40 હજારની સહાય પણ નુક્સાન સામે ઓછી પડે
ઘરમાં કમ્પ્યુટર, ફરીજ સહિતના ઈલેક્ટ્રીક ઉકરણો ખતમ થઈ ગયા છે. રૂ.30-40 હજારની સહાય આપો તો પણ નુક્સાન સામે ઓછી પડે. એટલુ નુક્સાન થયેલુ છે. ત્યારે રૂ.100 આપવાની વાત કરે છે. આ સહાય છે કે મજાક ?
અનાજ પલળી ગયું છે, હવે ખાઈશું શું ?
પાણી આવ્યુ તેમાં અનાજ પલણી ગયુ છે. અમે ખાઈશું શું ? કોર્પોરેશન કંઈ આપવા માટે આવી નથી. અમારી હાલત ખુ જ દયનીય છે અને એવામાં સરવે કરવા અંદર આવ્યા નહીં બારોબાર ફોર્મ ભરાવે છે અને આવી સહાય કહે છે કોણ લે?
રૂા.100 અને 1500ની સહાયમાં શું થાય ?
ચાર દિવસ સુધી પાણી ભરાઈ રહ્યાં હતાં. હવે પગ પણ નથી ચાલતા. બધુ અનાજ અને ઘરવખરી ખતમ થઈ ગઈ છે. ત્યારે રૂ.100, રૂ.1500ની સહાયથી શું થશે ? કંઈ વાજબી સહાય તો આપે.
Source link