NATIONAL

રેલવે મુસાફરો માટે સારા સમાચાર, 309-કિલોમીટર લાંબી નવી લાઈન પ્રોજેક્ટને મળી મંજૂરી

  • કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઈન પ્રોજેક્ટને મંજૂરી આપી
  • આ પ્રોજેક્ટ મુંબઈ અને ઈન્દોર વચ્ચે સૌથી ટૂંકું રેલવે જોડાણ પ્રદાન કરશે
  • આ પ્રોજેક્ટનાં નિર્માણ દરમિયાન આશરે 102 લાખ માનવદિવસો માટે સીધી રોજગારીનું સર્જન પણ થશે

મંજૂર થયેલી પરિયોજના વાણિજ્યિક કેન્દ્રો મુંબઈ અને ઈન્દોરને સૌથી ટૂંકા રેલવે માર્ગ મારફતે જોડવા સિવાય મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના 2 જિલ્લાઓ અને મધ્ય પ્રદેશના 4 જિલ્લાઓમાંથી પસાર થતા સંપર્ક વિહોણા વિસ્તારોને પણ જોડશે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ છે અને વર્ષ 2028-29 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રોજેક્ટનાં નિર્માણ દરમિયાન આશરે 102 લાખ માનવદિવસો માટે સીધી રોજગારીનું સર્જન પણ થશે.

નવા રેલવે લાઈન પ્રોજેક્ટને મળી મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિ (સીસીઈએ)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઈન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂ. 18,036 કરોડ (અંદાજે) છે. ઈન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઈન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે, જે ભારતીય રેલવેને વધારે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે. આ પરિયોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના ન્યૂ ઈન્ડિયાના વિઝનને અનુરૂપ છે જે વિસ્તારના લોકોને ‘આત્મનિર્ભર’ બનાવશે જે વિસ્તારના વ્યાપક વિકાસ દ્વારા તેમની રોજગાર/સ્વ-રોજગારની તકોમાં વધારો કરશે.

આ પ્રોજેક્ટમાં 2 રાજ્યોના 6 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા

આ પ્રોજેક્ટ મલ્ટિ-મોડલ કનેક્ટિવિટી માટે પીએમગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાનનું પરિણામ છે, જે સંકલિત આયોજન મારફતે શક્ય બન્યું છે અને લોકો, ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવર માટે સતત કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પરિયોજના અંતર્ગત 2 રાજ્યોના 6 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ભારતીય રેલવેનાં વર્તમાન નેટવર્કમાં આશરે 309 કિલોમીટરનો વધારો થશે.

પર્યટનને પ્રોત્સાહન આપશે આ પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ સાથે 30 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે મહત્વાકાંક્ષી જિલ્લા બરવાનીને કનેક્ટિવિટીમાં વધારો કરશે. નવી લાઈન પ્રોજેક્ટ અંદાજે 1,000 ગામડાઓ અને આશરે 30 લાખની વસતિને કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ પરિયોજના મધ્ય ભારત સાથે દેશના પશ્ચિમ/દક્ષિણ-પશ્ચિમ ભાગ વચ્ચે ટૂંકો માર્ગ પ્રદાન કરીને પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહન આપશે. એનાથી શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સહિત ઉજ્જૈન-ઇન્દોર ક્ષેત્રનાં વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.

અલગ અલગ સુવિધા પ્રદાન કરશે આ પ્રોજેક્ટ

આ પરિયોજના પીથમપુર ઓટો ક્લસ્ટર (જેમાં 90 મોટા એકમો અને 700 નાના અને મધ્યમ ઉદ્યોગો છે)ને જેએનપીએના ગેટવે પોર્ટ અને અન્ય રાજ્ય બંદરોથી સીધી કનેક્ટિવિટી પ્રદાન કરવામાં આવશે. આ પરિયોજના મધ્ય પ્રદેશના બાજરીનું ઉત્પાદન કરતા જિલ્લાઓ અને મહારાષ્ટ્રમાં ડુંગળીનું ઉત્પાદન કરતા જિલ્લાઓને સીધી કનેક્ટિવિટી પણ પ્રદાન કરશે, જે દેશના ઉત્તર અને દક્ષિણના ભાગોમાં તેના વિતરણની સુવિધા પ્રદાન કરશે.

કૃષિ ઉત્પાદનો, ખાતર, કન્ટેનર, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ, પીઓએલ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વધારવાની કામગીરીને પરિણામે આશરે 26 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ) ની તીવ્રતાની વધારાની નૂર હેરફેર થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં લોજિસ્ટિક્સ ખર્ચને લઘુતમ કરવામાં, ઓઈલની આયાત (18 કરોડ લિટર) ઘટાડવામાં અને કાર્બન ડાયોકસાઈડનું ઉત્સર્જન ઓછું કરવા (138 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદ કરશે, જે 5.5 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.


Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button