સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં આ વર્ષે વધુ વરસાદને લઈને શાકભાજી સહિતનો મોટાભાગનો પાક નિષ્ફળ રહ્યો છે તો કોબીજ, ફ્લાવરનો તૈયાર થયેલો ધરૂ સહિત પાક ફેલ થયો છે અને ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી
આ વર્ષે સારા વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી રહી છે અને ખાલી ખમ થયેલી નદીઓ, નાળા અને તળાવ પાણીથી ભરાઈ ગયા છે તો બીજી બાજુ વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકો ઉપર અસર જોવા મળી રહી છે અને ખેતરોમાં પાણી ભરાતા મોટાભાગનો પાક પાણીમાં ગરકાવ થતાં કોહવાઈ ગયો છે અને બચ્યો છે તે પણ પીળો પંજર પડી ગયો છે અને વિકાસ વગરનો થઈ ગયો છે.
ધરતીપુત્રોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો
બીજી તરફ પ્રાંતિજ સહિત તાલુકામાં મોટાભાગે શાકભાજીમાં ફ્લાવર-કોબીજનો પાક થતો હોય છે, જેમાં મોટાભાગનો ફ્લાવર કોબીજનો ધરુ વરસાદી પાણીમાં કોહવાઈ ગયો છે તો ચોપણી કરીને તૈયાર થયેલા પાકમાં પણ ખેતરોમાં પાણી ભરાયેલુ રહેતા કોહવાઈ જતા આ વર્ષે વધુ વરસાદને લઈને ધરતી પુત્રોને મોટી નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.
ધરૂ સહિત તૈયાર થયેલો પાક કોહવાઈ જતા ખર્ચ માથે પડ્યો
ત્યારે કપાસ, મગફળી, ડાંગર, દિવેલા, ગવાર સહિતના પાકો પણ પાણીને લઈને કોહવાઈ જતાં ખેડૂતોને મોટુ નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે તો ધરતી પુત્રો દ્વારા સરકાર ખેતીનો સર્વે કરીને સહાય ચુકવે તેવી માગ કરવામાં આવી છે, ત્યારે હાલ તો ધરૂ સહિત તૈયાર થયેલો પાક કોહવાઈ જતા ખેડ, ધરૂ, ખાતર, મજુરી સહિતનો ખર્ચ માથે પડયો છે.
ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતીને ભારે નુકસાન
તમને જણાવી દઈએ કે રાજ્યમાં વરસેલા સતત ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યુ છે અને ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે, કારણ કે આ વર્ષે લીલા દુકાળના કારણે અનેક જગ્યાએ ખેતરો બેટમાં ફેરવાયા છે અને ખેડૂતોનો ઉભો પાક નષ્ટ થઈ જતા ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
Source link