- નીચા વેચાણ વચ્ચે તહેવારોની રાહ જોતા વિક્રેતાઓ માટે પહાડ જેવી સમસ્યા
- 1.58 લાખ રિટેલ સ્ટોર્સે ટોચના ઉત્પાદકો સમક્ષ ઠાલવેલી હૈયાવરાળ
- સેમસંગ, મોટોરોલા, રિયલમી, વન પ્લસ જેવી કંપનીઓ આરોપીના પિંજરામાં
- ઈ-કોમર્સ કંપનીઓ ડિસ્કાઉન્ટ આપી બિઝનેસ તોડશે, તેવી રિટેલર્સને ભીતિ
ચાલુ વર્ષે સ્માર્ટ ફોન્સ અને ઈલેક્ટ્રોનિક્સ આઈટમ્સના વેચાણના આંકડા નીચા રહ્યાં છે. ત્યારે તહેવારોની સીઝનમાં વેચાણના આંકડા વધવાની રાહ જોઈ રહેલા રિટેલ મોબાઈલ ફોન વિક્રેતાઓ માટે નવી પળોજણ જન્મી છે.
લગભગ 1,58,000 ઈલેકટ્રોનિક્સ અને મોબાઈલ ફોન રિટેલર્સ દ્વારા સંયુક્ત રીતે ટોચના નિર્માતાઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી છે કે, તેમના ભોગે ઘણી બ્રાન્ડ્સ ઈ-કોમર્સ માધ્યમોને મહત્વ આપી રહી છે. રિટેલ વિક્રેતાઓની ફરિયાદ છે કે, ઓફલાઈન વેચાણ સામે અમુક બ્રાન્ડ્સ દ્વારા રીતસર ભેદભાવ દાખવવામાં આવી રહ્યો છે અને ઓનલાઈન વેચાણમાં વધારો થાય તે રીતે ઈ-કોમર્સને મદદરૂપ થઈ રહ્યાં છે. રિટેલર્સ દ્વારા બ્રાન્ડ્સ ઉપરાંત સંબંધિત મંત્રાલય અને સીસીઆઈનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. આ ઘટનાક્રમ બાદ સૌથી મોટો સવાલ એ પેદા થયો છે કે, ઈ-કોમર્સને કારણે અન્ય બિઝનેસ સેગમેન્ટને તો ફટકો પડયો જ છે પણ હવે શું તેમાંથી રિટેલ મોબાઈલ ફોન વિક્રેતાઓ પણ બાકાત નહીં રહે? રિટેલર્સને દહેશત છે કે, તેહવારોની સીઝનમાં ઈ-કોમર્સ કંપનીઓ ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે, જેથી તેમની હાલત પડયા પર પાટા જેવી થશે અને વેચાણને ફટકો પડશે. હાલ એવી સ્થિતિ છે કે, ફેસ્ટિવલ સીઝન પહેલાં જ પરંપરાગત રિટેલ સ્ટોર અને ઈ-કોમર્સ કંપનીઓ વચ્ચે તંદુરસ્ત હરિફાઈના બદલે અત્યારથી જ જોરદાર ઘર્ષણ પેદા થઈ ગયું હોય તેવું દ્રશ્ય ઊભું થયું છે. ઈલેક્ટ્રોનિક્સ તથા મોબાઈલ ફોન રિટેલર્સ લડી લેવાના મુડમાં હોય તેમ સંગઠિત થઈ રહ્યાં છે.
ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (એઆઈએમઆરએ) દ્વારા ટોચના ઉત્પાદકો સમક્ષ કરવામાં આવેલી રજૂઆતમાં ખાસ જણાવવામાં આવ્યું હતું કે, સેમસંગ, પોકો, મોટોરોલા, રિયલમિ, વન પ્લસ અને ઈક્ઓ એવી કંપનીઓ છે, જેઓ રિટેલ સ્ટોર્સ કરતાં ઈ-કોમર્સ કંપનીઓને વધુ મહત્વ આપી રહ્યાં છે. એઆઈએમઆરએ 1,50,000 મોબાઈલ સ્ટોર્સનું નેતૃત્વ કરે છે. જે વાર્ષિક ધોરણે રૂ.30,000થી વધુની રેવન્યૂ પ્રાપ્ત કરે છે.
રિટેલ વિક્રેતાઓ વચ્ચે એવી ભીતિ પ્રવર્તી રહી છે કે, તહેવારોની સીઝનમાં ઓનલાઈન કંપનીઓ દ્વારા ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી શકે છે, જેથી તેમને બિઝનેસમાં વ્યાપક નુકસાન થઈ શકે છે. વિશાળ પ્રાદેશિક ચેઈન્સ સહિત રિટેલર્સ દ્વારા સંયુક્ત રીતે વાર્ષિક ધોરણે રૂ.70,000 કરોડથી વધુની આવક કરવામાં આવે છે. તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન્સ અને કન્ઝયૂમર ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં નોંધપાત્ર વધારો થાય છે. કંપનીઓના વાર્ષિક વેચાણના આંકડામાં તહેરવારોની સીઝનમાં થયેલા વેચાણનું યોગદાન 30 ટકાથી વધુ હોય છે.
મોબાઇલના કારોબાર પર નજર
રિટેલર્સ દ્વારા બ્રાન્ડ્સના ટોચના ઉત્પાદકો ઉપરાંત આવા ભેદભાવ અંગે સંબંધિત મંત્રાલય અને સીસીઆઈનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે
બ્રાન્ડ્સ અને રિટેલ સ્ટોર્સ પર વેચાણ વિના ઊંચા પ્રમાણમાં સ્ટોક પડયો રહ્યો હોવા તરફ ઈશારો
રિટેલર્સ દ્વારા સંયુક્ત રીતે વાર્ષિક ધોરણે રૂ.70,000 કરોડથી વધુની રેવન્યુ પ્રાપ્ત કરવામાં આવે છે
તહેવારોની સીઝનમાં સ્માર્ટફોન્સ અને કન્ઝયૂમર ઈલેક્ટ્રોનિક્સના વેચાણમાં નોંધપાત્ર વધારો થાય છે
તહેવારોની સીઝનમાં કુલ વેચાણમાંથી 50 ટકા વેચાણ ઓનલાઈન માધ્યમથી થાય છે
Source link