નવમી સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની યોજાનારી બેઠકમાં લાઈફ અને આરોગ્ય વીમાના પ્રિમિયમ પર વસૂલાતા 18 ટકા જીએસટી અંગે ચર્ચા કરી આ દરમાં ઘટાડો કરવામાં આવે તેવી શકયતા છે.
જીએસટીના ઊંચા દરની ચોમેરથી ટીકા થઈ રહી હોવાથી આ વિચારણા હાથ ધરવામાં આવી હોવાથી વીમાધારકોને વીમા પ્રિમિયમ પર ચૂકવવા પડતાં ઊંચા જીએસટીમાંથી રાહત મળી શકે છે. ગૂડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ (જીએસટી)ના દરો નક્કી કરતી બોડી ઓછી અને મધ્યમ આવક ધરાવતાં જૂથો માટે ખર્ચ ઘટાડવાના હેતુથી રૂ.50,000 સુધીના વાર્ષિક પ્રિમિયમ સાથેના આરોગ્ય અને જીવન વીમા પર વસૂલવામાં આવતાં જીએસટી રેટમાં ઘટાડો કરવાનું સૂચન કરી શકે છે. વર્તમાન સમયમાં વીમા પ્રિમિયમ પર 18 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. જેથી વિરોધ પક્ષ આ દરનો વિરોધ કરી રહ્યાં છે અને જણાવી રહ્યાં છે કે, આ દર ખૂબ ઊંચો છે. વીમા ઈન્ડસ્ટ્રી ઈચ્છે છે કે, વીમા પોલિસીને જીએસટીના દાયરામાંથી બાકાત રાખવામાં આવે અથવા પાંચ ટકાનો ઓછો દર વસૂલવામાં આવે. દરમ્યાન એવી ચર્ચા છે કે, ફીટમેન્ટ કમિટિ આ રેટની મર્યાદા પણ નિર્ધારિત કરે તેવી શકયતા છે, જેથી જીએસટીની ઓછી વસૂલાત, પ્રીમિયમ અને વીમાની રકમના સંયોજન માટેની ખાતરી કરી શકાય. ઉપરાંત ફીટમેન્ટ કમિટિ જીવન અને આરોગ્ય વીમા પ્રિમિયમ્સ પર જીએસટીની વ્યાપક મુક્તિની પણ તરેફણમાં નહીં હોવાનું જણાવવામાં આવ્યું હતું.
આ નિર્ણયથી વીમા પોલિસીના અલગ-અલગ રેટ રેશિયો હેઠળ રેવન્યૂ પર થનારી અસર અંગે જીએસટી કાઉન્સિલને વિસ્તૃત અહેવાલ સુપરત કરવામાં આવે તેવી શકયતા છે. નોંધનીય છે કે, નવમી સપ્ટેમ્બરના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક યોજાનારી છે. વીમા પોલિસીના પ્રિમિયમ પર જીએસટી વસૂલાતને ઘટાડવા અંગેની કવાયત વચ્ચે જીએસટીના દરો નક્કી કરતી ફીટમેન્ટ કમિટિનું એવું માનવું છે કે, મહત્તમ રૂ.50,000 સુધી ઈન્શ્યોરન્સ પ્રીમિયમ પર રેટની મર્યાદા હોવી જોઈએ અથવા માત્ર અમુક રકમ નિર્ધારિત કરી દેવી જોઈએ, અથવા આ બંને પ્રથા લાગુ કરવી જોઈએ. જેથી વધુથી વધુ એવા લોકોને વીમા કવચમાં સામેલ કરી શકાય, જેઓ ઓછી કે મધ્યમ આવક ધરાવે છે. ઉપરાંત જે કેસોમાં પ્રિમિયમ ખૂબ ઊંચું હોય તો તેવા સંજોગોમાં જીએસટીના રેટમાં ઘટાડો કરવાની કોઈ આવશ્યકતા નથી. અલબત્ત ફીટમેન્ટ કમિટિ દ્વારા રેટ અંગે કોઈ ભલામણ કરવામાં આવી નથી, જેથી હવે આ મુદ્દે જીએસટી કાઉન્સિલની બેઠકમાં વધુ ચર્ચા થશે. કમિટિમાં કેન્દ્ર અને રાજયના જીએસટી અધિકારીઓનો સમાવેશ થાય છે, જેઓ કાઉન્સિલને જીએસટી દરો અંગે સૂચન કરે છે.
આ મુદ્દો વર્તમાનમાં એટલા માટે પણ ચર્ચાસ્પદ બન્યો છે કે, કેમ કે, તાજેતરમાં જ વરિષ્ઠ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સિતારમનને પત્ર લખી રજૂઆત કરી હતી કે, આરોગ્ય અને જીવન વીમાને જીએસટીના દાયરામાંથી બાકાત કરવામાં આવે.
Source link