અમદાવાદ શહેરના ટાગોર હોલ ખાતે આજે 5મી સપ્ટેમ્બરના રોજ રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોને સન્મામિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 28 શિક્ષકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક અર્પણ કરવામાં આવ્યો હતો.
એ ઉપરાંત જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પ્રાપ્ત કરનારા શ્રેષ્ઠ 10 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તેમજ સરકારના પદાધીકારી અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલે શિક્ષકોને સંબોધતા જણાવ્યું હતું કે, શિક્ષક પોતાના કર્તવ્યનું યોગ્યતાપૂર્વક પાલન ન કરે તો તે પરિવાર, સમાજ અને રાષ્ટ્ર માટે ઘાતક પુરવાર થાય. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષક સાથે બાળક પોતાનો મોટાભાગનો સમય વિતાવે છે ત્યારે બાળકની જિજ્ઞાસાવૃત્તિ સંતોષવી એ શિક્ષકોનું દાયિત્વ બને છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષક એ શિક્ષણની સાથે બાળકોને નૈતિક મૂલ્યોનું શિક્ષણ આપી ઉત્તમ નાગરિકનું પણ ઘડતર કરે છે. સમાજ અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષક અને શિક્ષણની ભૂમિકા ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહી છે.
અઢી લાખથી વધુ શિક્ષકો છતાં 52 એવોર્ડ સામે માત્ર 28 શ્રેષ્ઠ શિક્ષક મળ્યાં
રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા જુદી જુદી કેટેગરીમાં કુલ 52 એવોર્ડ નક્કી કરેલા છે જેઓને 5મી સપ્ટેમ્બરના રોજ રાજ્યપાલના હસ્તે બહુમાન કરવામાં આવે છે. પરંતુ ગુજરાતના શિક્ષણ માટે શરમજનક બાબત એ છે કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે અઢી લાખથી વધુ શિક્ષકો ફરજ બજાવતાં હોવા છતાં શ્રેષ્ઠ કહી શકાય એવા ચાલુ વર્ષે માત્ર 28 જ શિક્ષક પ્રાપ્ત થયા છે. એ પહેલા ગત વર્ષે માત્ર 34 મળ્યાં હતા. આમ પોતાના હક માટે સતત લડત ચલાવતાં શિક્ષકોએ પોતાના ક્ષેત્રમાં કેટલુ યોગદાન આપી રહ્યાં છે તેની વાસ્તવિક્તા પણ આ એવોર્ડની સંખ્યા પરથી ફલિત થાય છે. ખરેખર તો માત્ર 52 જ એવોર્ડની સંખ્યામાં જ્યુરીને પસંદગી કરતાં પરસેવો પડા જાય એવુ સ્થિતિ હોવી જોઈએ એના બદલે ક્વોટા પણ પૂરો થતો નથી.
Source link