SEBIના ચીફ માધવી પૂરી બૂચની સમસ્યાઓ ઘટવાનું નામ લઇ રહી નથી. કોંગ્રેસ સહિત વિપક્ષના આરોપોની વણઝારનો સામનો કરી રહેલા માધવીની મુશ્કેલી હજુ પણ વધી શકે છે. સંસદની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (પીએસી) હવે SEBIના ચીફને સમન્સ ફટકારીને તેમને પૂછપરછ માટે બોલાવી શકે છે.
SEBIના કામકાજની સમીક્ષા માટે તેમના ચીફને બોલાવવામાં આવી શકે છે. જ્યારે આ મુદ્દે વિવાદ અને હોબાળો થવાની પણ સંભાવના સેવાઇ રહી છે કારણ કે સમિતિના કેટલાક સાંસદો આવા એકતરફી નિર્ણયની વિરુદ્ધ છે. કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલ રાવની અધ્યક્ષતા હેઠળની પીએસીએ આગામી પાંચ વર્ષ માટે 161 વિષય નક્કી કર્યા છે જેની પર પીએસીની બેઠકમાં ચર્ચા કરાવાની છે. તેમાં 160માં નંબર પર સંસદના એક્ટ દ્વારા નિર્મિત નિયામક સંસ્થાઓના કામકાજની સમીક્ષાને પણ સામેલ કરાયા છે અને તેના હેઠળ જ સેબીના ચીફ માધવી પૂરી બૂચને સમન્સ ફટકારવામાં આવી શકે છે.
હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ માધવી નિશાન પર : માધવી પુરી બુચને પીએસી દ્વારા પુછપરછ માટે બોલાવવામાં આવી શકે તેવા સમાચારોને કારણે રાજકીય વાતાવરણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. માધવી પુરી અને તેમના પતિ હિન્ડનબર્ગના એક રિપોર્ટને કારણે નિશાન પર છે. રિપોર્ટમાં દાવો કરાયો હતો કે માધવી અને તેમના પતિની ઘણી એવી કંપનીઓમાં ભાગીદારી છે, જેનો સંબંધ અદાણીની ઓફશોર સંસ્થાઓ સાથે છે. જોકે માધવી અને તેમના પતિએ આરોપો નકાર્યા હતા અને કહ્યું હતું કે અમારી તમામ લેવડ-દેવડ ચોખ્ખી છે તેમાં કોઇ ખામી નથી. કોંગ્રેસ સતત આ મુદ્દે જેપીસી તપાસની માગ કરી રહી છે.
રાહુલ ગાંધીએ માધવી પર ગંભીર આરોપ કર્યા હતા : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પાછલા દિવસોમાં કહ્યું હતું કે સેબીની સાખ સાથે સમજૂતી કરાઇ છે. જે સેબી પાસે જવાબદારી છે કે તે નાના રોકાણકારોની મુડીની સુરક્ષા કરે, તેના ચેરપર્સન પર જ જો ગંભીર આરોપ હોય તો તે ગંભીર મુદ્દો છે. આ વિશ્વાસ તોડવાની વાત છે. અને તેથી જ નરેન્દ્ર મોદી જેપીસી તપાસ થાય તેમ નથી ઇચ્છતા કારણ કે તેનાથી કોઇ ખુલાસો થઇ શકે છે. માધવી પુરી બુચે કહ્યું હતું કે હિન્ડનબર્ગના આરોપ ખોટા છે. કારણ કે જ્યારે રોકાણની વાત થઇ રહી હતી ત્યારે તેઓ અને તેમના પતિ સામાન્ય નાગરિક હતા. તેમને તે વખતે સેબી સાથે કોઇ લેવા-દેવા નહોતી.
પીએસીના તમામ સભ્યો પાસે વીટો પાવર : ભાજપના નેતા અને પીએસીના સભ્ય નિશિકાંત દૂબેએ કહ્યું હતું કે પીએસીના ચેરમેન પાસે આ વાતની પૂરી ઓથોરિટી છે કે તેઓ સમિતિની બેઠક બોલાવી શકે છે. પરંતુ પીએસીનું ચલણ સ્વતંત્રતા પહેલાનું છે અને તેના અલગ-અલગ નિયમો છે. તેમાંનો એક નિયમ આ પણ છે કે પીએસીના તમામ સભ્યો પાસે વીટોનો પાવર હોય છે. તેમણે કહ્યું હતું કે કોઇપણ નિયામક સંસ્થાનની સમીક્ષા ત્યારે જ કરવામાં આવી શકે છે જ્યારે કેગ તરફથી તેના વિશે કોઇ રિપોર્ટ આવ્યો હોય.
2.16 કરોડના ભાડાની આવક મુદ્દે સેબી ચીફ પર નવો આરોપ : કોંગ્રેસ પાર્ટીએ શુક્રવારે સેબીના વડા માધવી પૂરી બૂચ પર વધુ એક આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે કહ્યું હતું કે સેબીના વડા માધવી પૂરીએ ઇનસાઇડર ટ્રેડિંગ અને અન્ય નિયમોના ભંગના આરોપો હેઠળ નિયામકની તપાસ હેઠળ રહેલી વૉકહાર્ટ લિમિટેડ નામક કંપનીની સહયોગી કંપની પાસેથી ભાડાની આવક પ્રાપ્ત કરી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે 2018 અને 2024ની વચ્ચે માધવી પૂરી બૂચે સેબીના પૂર્ણ સમયના સભ્ય તરીકે અને ત્યારબાદ તેના ચેરમેન તરીકે કેરોલ ઇન્ફો સર્વિસ નામક કંપની પાસેથી ભાડાની આવક પેટે 2.16 કરોડ મેળવ્યા હતા.
Source link