સ્વચ્છ ધંધૂકા, સ્વસ્થ ધંધૂકા જેવા ભીંત સૂત્રોની પોલ ખોલતી ગંદકી અને દૂષિત પાણીના સોસાયટીઓમાં ભરાયેલા નાના તળાવો સ્થાનિકોના આરોગ્ય સામે મોટો ખતરો બન્યા છે.
વાત ધંધૂકાની વલ્લભાચાર્યનગર સોસાયટીની છે. જ્યાં વરસાદી પાણીનો ભરાવો થયો છે અને આ પાણી હવે દૂષિત થતા જીવજંતુ અને મચ્છરોની ઉત્પત્તિનું કેન્દ્ર બન્યા છે. ત્યારે સ્થાનિક રહીશો પાલિકા કચેરી ખાતે પહોંચી તંત્ર સામે ઘોર બેદરકારીનો આક્ષેપ લગાવી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.
વલ્લભાચાર્યનગરમાં અનેક સ્થળો પર ભૂગર્ભ ગટર, વરસાદી પાણીના મોટા મસ ખાડાઓમાં દૂષિત દુર્ગંધ મારતા પાણીનો ભરાવો થયો છે. જે બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ સફાઇ ન કરાતી હોવાની ફ્રિયાદ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. આ દૂષિત દુર્ગંધ મારતા ખાડાઓ સોસાયટીમાં રોગચાળાને આમંત્રણ સમાન છે. ખાસ મચ્છરોનો અતિશય ત્રાસ છે. સફાઇ નહીં થતી હોવાથી સ્થાનિકોના આરોગ્ય સામે મોટો ખતરો તોળાઈ રહ્યો છે. એક સ્થાનિકે જણાવ્યું કે કોલેજ રોડ દર બે ત્રણ દિવસે સાફ્ કરી મોટે ઉપાડે પાલિકા સ્વચ્છતાના ફેટા મૂકે છે. પરંતુ આ જ રોડ પર આવેલી સોસાયટીઓમાં કોઈ દિવસ ડોકિયું પણ કર્યું હોય તો ખબર પડેને કે કેટલી ગંદકી છે. વળી સોસાયટીમાં આવતા પાણી પણ દૂષિત અને ગંદા આવે છે. તમામ મુશ્કેલીઓ મુદ્દે સ્થાનિકોનું ટોળું પાલિકા ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો. જોકે ચીફ્ ઓફ્સિર હાજર ન હોય પાલિકાના અન્ય કર્મીઓને સ્થાનિકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો હતો. રજૂઆતકર્તાઓ તેમની નર્કાગારની સ્થિતિને લઈ ગળે આવી ગયાનું જણાવ્યું હતું. અને જો આગામી એકાદ બે દિવસમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો પાલિકાની આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Source link