વિશ્વના પ્રથમ ક્રમાંકિત જાનિક સિનર અને અમેરિકાના 12મા ક્રમાંકિત ટેલર ફિત્ઝે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં વિજય હાંસલ કરીને પ્રથમ વખત યુએસ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ત્રણ સપ્તાહના ગાળામાં ડોપિંગના મામલે ક્લીનચીટ મેળવનાર ઇટાલીના 23 વર્ષીય સિનરે બ્રિટનના 25મા ક્રમાંકિત જેક ડ્રેપરને 7-5, 7-6 (3), 6-2થી હરાવ્યો હતો.
તે યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ઇટાલિયન ખેલાડી પણ બન્યો હતો. રસપ્રદ બાબત એ છે કે આ વર્ષે યુએસ ઓપનની મેન્સ અને વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં ઓછામાં ઓછો એક અમેરિકન ખેલાડી રમી રહ્યો છે.
ટેલર ફિત્ઝે પોતાના જ દેશના અમેરિકન ખેલાડી તથા 20મા ક્રમાંકિત ફ્રાન્સિસ ટિયાફોઇને પાંચ સેટ સુધી રમાયેલા મુકાબલામાં 4-6, 7-5, 4-6, 6-4, 6-1થી હરાવ્યો હતો. તે પ્રથમ વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલ રમશે. 2006 બાદ કોઈ અમેરિકન ખેલાડી ફાઇનલમાં પ્રવેશ્યો હોય તેવું પણ પ્રથમ વખત બન્યું છે. છેલ્લે એન્ડી રોડ્ડિક ફાઇનલમાં પહોંચ્યો હતો.
યુએસ ઓપનમાં રોડ્ડિક ચેમ્પિયન બનનાર છેલ્લો અમેરિકન ખેલાડી હતી. તેણે 2003માં આ સિદ્ધિ હાંસલ કરી હતી. કેલિફોર્નિયાનો 26 વર્ષીય ફિત્ઝ તથા મેરિલેન્ડનો ટિયાફોઇ સેમિફાઇનલ માટે કોર્ટમાં ઊતર્યા ત્યારે સમર્થકો કોને પ્રોત્સાહન આપવું કે કોને સમર્થન આપવું તેની અવઢવમાં મુકાયા હતા.
Source link