કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં યુ.એસ.થી આવેલા વેસ્ટ કપડાંના એક કન્સાઈન્મેન્ટને શનિવારે બપોરના સમયે ખોલવામાં આવતાં કપડાંના જથ્થામાંથી એક યુ.એસ. આર્મીના માર્કાવાળો હેન્ડ ગ્રેનેડ મળી આવ્યો હતો. આ અંગે પોલીસ અધિક્ષકના નેજા હેઠળ નિષ્ણાંત અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં આદિપુરની ફ્લેક્સ નામની કંપની દ્વારા યુ.એસ.થી વેસ્ટ કપડાના મંગાવેલા કન્સાઈમેન્ટને શનિવારે બપોરના અરસામાં ખોલવામાં આવ્યું હતું. તે સમયે કસ્ટમ, પોલીસ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. મજુરો દ્વારા કન્સાઈમેન્ટમાંથી કપડા કાઢવામાં આવી રહ્યા હતા ત્યારે મજુરોને એક હેન્ડગ્રેનેડ મળી આવ્યો હતો. આથી મજુરોએ કસ્ટમ અને પોલીસને આ અંગે જાણ કરી હતી.
પોલીસે તાત્કાલિક હેન્ડગ્રેનેડનો કબજો લઈ તેની ખરાઈ કરતાં તેની ઉપર યુ.એસ.આર્મીનું સિમ્બોલ જોવા મળ્યું હતું. આથી તાત્કાલિક પોલીસ અધિક્ષક સાગર બાગમારને જાણ કરાતા તેઓની સુચના અને માર્ગદર્શન હેઠળ તજજ્ઞોની એક ટીમ તુરંત સ્થળ પર પહોંચી હતી. અને મળી આવેલા હેન્ડ ગ્રેનેડની ચકાસણી કરી હતી. જેના પ્રાથમિક અનુમાન મુજબ આ હેન્ડ ગ્રેનેડનો ખાલી ખોખું હોવાનું અને અજાણતા કે આકસ્મિક રીતે વેસ્ટ કપડાના જથ્થામાં આવી ગયાનું તારણ હોવાનું ગાંધીધામ બી ડિવિઝનના પી.આઇ. એસ.પી.ગોજિયાએ જણાવ્યું હતું.
મહત્ત્વનું છે કે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન આર્થિકની સાથે સાથે સંવેદનશીલ રીતે પણ ખૂબ જ મહત્ત્વનું બંદર ગણાય છે. ત્યારે આ પ્રકારનું અમેરિકન આર્મી બનાવટનો હેન્ડગ્રેનેડ મળી આવતા પોલીસ એજન્સીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે. શા માટે એક જ હેન્ડગ્રેનેડ વેસ્ટ કાપડના જથ્થામાંથી મળી આવ્યો તે પણ અનેક સવાલો ઊભા કરે છે. હાલ તો તપાસ એજન્સીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને શંકાસ્પદ કન્ટેનરો અને જવાબદાર કર્મચારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.
Source link