બેંગ્લોરના નિસંતાન પ્રેમી ભરૂચના દહેજ ખાતે રહેવા આવેલી પ્રેમિકાના બે વર્ષના પુત્રને ઉઠાવી પોતાની સાથે લઈ ગયો હતો. આ મામલે પ્રેમિકાએ દહેજ પોલીસ મથકમાં તેના બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને મહારાષ્ટ્રના વસઈ ખાતેથી ઝડપી પાડી બાળકને તેની માતાને સોંપવામાં આવ્યો હતો.
આરોપી અને બાળકને મહારાષ્ટ્રના વસઈથી દહેજ ખાતે લઈ આવ્યા
ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં રહેતી એક મહિલા એ તેના બે વર્ષના બાળકનું અનિલકુમાર ધતુરી યાદવ અપહરણ કરીને પોતાની સાથે લઈ ગયો હોવાની ફરિયાદ આપી હતી. જે અંગે દહેજ પોલીસ સ્ટેશન ખાતે બી.એન.એસ. ક-137(2) મુજબનો ગુનો દાખલ કરી સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલાએ અલગ અલગ ટીમો બનાવી આરોપી તથા અપહરણ થનાર બાળકને શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી. આ મામલો ગંભીરતા લઈને પીઆઈ એચ. બી. ઝાલાએ તથા પો.સ.ઈ.એસ. બી. સરવૈયાએ ટેકનીકલ માહીતી મેળવી એનાલીસીસ કરી ટેકનીકલ તથા હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન બાળક અને આરોપી અનિલકુમાર ધતુરીભાઈ યાદવ મહારાષ્ટ્રના વસઇ ખાતે હોવાની માહીતી મળતા એક ટીમ મહારાષ્ટ્રના વસઈથી બંને ભરૂચ લાવી બાળકને માતાને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બાળકને મુક્ત કરાવી માતાને સોપ્યું
આ કેસ અંગે માહિતી આપતા ભરૂચ ડીવીઝનના ડીવાયએસપી સી. કે. પટેલે જણાવ્યું હતું કે, હાલમાં દહેજ ખાતે રહેતી મહિલા અને આરોપી અનિલકુમાર વચ્ચે બેંગ્લોરમાં પ્રેમ સંબંધ બંધાયા હતા. જોકે આરોપી પણ પરિણીત હોય પરતું તે નિસંતાન હતો. તેની પ્રેમિકાના બાળકને તે પોતાની સાથે રાખવા માંગતો હોય તે બેંગ્લોરથી દહેજ આવીને બાળક લઈને જતો રહ્યો હતો. આ મામલે મહિલાએ દહેજ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તેની શોધખોળ આરંભી હતી. જેની તમામ રાજ્યમાં મેસેજથી જાણ થતાં જ મહારાષ્ટ્રના વસઈ રેલવે પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેને ભરૂચ લાવી બાળકને તેની પાસેથી મુક્ત કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Source link