હાલ રાહુલગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેઓએ ટેક્સાસમાં એક કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે બીજેપી સરકાર પર ધારદાર પ્રહાર કર્યા હતા. તેમણે પીએમ મોદી, RSSને ધારદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે RSS માને છે કે ભારત એક વિચાર છે અને અમે માનીએ છીએ કે ભારત વિચારોની બહુમતી છે. જેમાં તમામને સામેલ થવાની અનુમતિ આપવી જોઇએ. અમે માનીએ છીએ કે દરેકને તેમની જાતિ, ભાષા, ધર્મ, પરંપરા અથવા ઇતિહાસને ધ્યાનમાં લીધા વિના તેને સપના જોવાની અનુમતિ આપવી જોઇએ.
કોઇ ભાજપ કે પ્રધાનમંત્રીથી ડરતું નથી- રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સંસદમાં પોતોની સ્પીચનો ઉલ્લેખ કરતા કે જ્યારે મેં સંસદમાં મારા ભાષણમાં અભયમુદ્રાનું વર્ણન કર્યું હતું. તે ભાજપ સહન ન કરી શકી. તેઓએ તેનો વિરોધ કર્યો. પરંતુ અભયમુદ્રા નિર્ભયતાનું પ્રતિક છે અને તે દરેક ભારતીય ધર્મમાં જોવા મળે છે. તેમણે વધુમાં જણાવ્યું કે લોકોની અંદરથી હવે ભાજપનો ડર ગાયબ થઇ ગયો છે. અમે જોયુ કે ચૂંટણી પરિણામ બાદ થોડી જ મિનિટોમાં ભારતમાં કોઇ પણ ભાજપા કે ભારતના પ્રધાનમંત્રીથી ડરતુ નથી. એટલે આ બહુ મોટી સિદ્ધિ ગણાય.
સરકાર દબાવવાનો પ્રયાસ કરે છે
રાહુલ ગાંધીએ સંસદના ચોમાસુ સત્રનો પણ પોતાના ભાષણમાં ઉલ્લેખ કર્યો અને કહ્યું કે અમે સંસદમાં અમારો દૃષ્ટિકોણ રજૂ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સરકાર તેને દબાવી દે છે. સાથે તેમણે એમ પણ જણાવ્યું કે અમને મળવા માટે અન્ય પાર્ટીના લોકો આવે છે તેમજ ખેડૂતો અને વેપારીઓ પણ મળવા આવે છે. અમે તેમના પ્રશ્નો અને સમસ્યાઓ સાંભળીએ છીએ અને તેને સમજવાનો પ્રયાસ કરીએ છીએ.
ભારત જોડો યાત્રાએ વિચારવાની રીત બદલી નાખી
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત જોડો યાત્રાએ મારા કામ વિશે વિચારવાની રીત બદલી નાખી છે. હું કહીશ કે રાજકારણ, લોકોને જોવાની, તેમની સાથે વાતચીત કરવાની અને તેમને સાંભળવાની મારી દૃષ્ટિએ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ યાત્રામાં માત્ર હું જ નહીં, ઘણા લોકો સામેલ હતા.
3 દિવસ વિદેશના પ્રવાસે
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ત્રણ દિવસીય અમેરિકા પ્રવાસ પર છે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડા અને NRI દ્વારા એરપોર્ટ પર કોંગ્રેસ સાંસદનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે તેમની યુએસ મુલાકાતના પ્રથમ દિવસે 8 સપ્ટેમ્બરના રોજ ડલ્લાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદો સાથે વાર્તાલાપ કર્યો હતો.