સુરતના સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો. બાદમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી.
આ ઘટના બાદ પોલીસે 32 આરોપીઓની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસે જે 6 કિશોરને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે. તેમજ તે 6 સપ્ટમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીનાં પાઉચ ફેંકીને ભાગી ગયો હતો. ત્યાર બાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો. જો કે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડ્યંત્રને અંજામ આપી દીધો હતો. 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી લઈ જઈ લોઅર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી. બન્ને પક્ષ વચ્ચે અઢી કલાક દલીલો થઈ હતી. ત્યાર બાદ કોર્ટે 23 આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે 4 આરોપીઓને જેલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેમાંથી હાલ બે આરોપી સારવાર હેઠળ હોવાથી તેમને સારવાર બાદ જેલમાં મોકલવામાં આવશે. જ્યારે 6 કિશોર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલવામાં આવ્યા છે.
ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમો પાડી હતી
સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, પોલીસ ચોકી અને પોલીસકર્મીઓ પર હુમલો થયો હતો. હત્યાનો પ્રયાસ સહિતની કલમ દાખલ કરવામાં આવી છે. અઢી કલાક બંને પક્ષોની દલીલો ચાલી હતી. આયોજન બદ્ધ રીતે તેઓ મારી નાખોનું ઉચ્ચારણ કરતા હતા. પડદા પાછળ કોણ છે તેની તપાસ કરવી જોઈએ. 17 જેટલા મુદ્દાઓ હતા જે રિમાન્ડ માટે રજૂ કરાયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ટોળાની સંખ્યા વધારે છે. પુરાવા અને હથિયાર અંગે કેસ ડાયરીમાં ઉલ્લેખ છે. એકત્ર ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમો પાડી હતી. પોલીસે એક આરોપીની અટકાયત કરી જેના વિરોધ પુરાવા ન હોવાના કારણે નોટિસ આપી છોડી દેવામાં આવ્યો છે. તે દિવ્યાંગ છે અને જ્યારે પૂછપરછમાં જરૂર હોય ત્યારે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે.
તબિયત લથડતાં આરોપીને હોસ્પિટલ ખસેડાયો
બંને પક્ષોની દલીલો દરમિયાન ઇલ્યાસ મુંસી નામના આરોપીની તબિયત લથડતાં તેને કોર્ટમાંથી સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે
અલગ અલગ 17 મુદ્દા પર રિમાન્ડની માગણી કરવામાં આવી છે. પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે. આરોપીઓ તરફથી વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે. સાથે ઝેબા પઠાણ, જાવેદ મુલતાની, અબ્દુલ શેખ વકીલ છે. જ્યારે સરકારી વકીલ નયન સુખડવાલા છે. આરોપીઓ વિરૂદ્ધ IPCની કલમ 324(4), 125, 121(1), 109,115(1), 189(1), 189(2),190, 191 હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થર મારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે.
Source link